વોશિંગ્ટનઃ એક તરફ, ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિને - 20 જાન્યુઆરીએ અમેરિકાના 47મા પ્રમુખ તરીકે સત્તા સંભાળવા માટે સજ્જ થઇ રહ્યા છે. તો બીજી તરફ, દેશની કેટલીય ટોચની યુનિવર્સિટીઓએ તેમને ત્યાં અભ્યાસ કરતાં ભારતીયો સહિત વિદેશના વિદ્યાર્થીઓને ટ્રાવેલ એડવાઇઝરી જારી કરતાં જણાવ્યું છે કે ટ્રમ્પ સત્તાના સૂત્રો સંભાળે તે પહેલા તે અમેરિકામાં પરત આવી જાય.
યુનિવર્સિટીઓના આ ચેતવણીસૂચક સંદેશાથી અમેરિકામાં અભ્યાસ કરતાં વિદેશી વિદ્યાર્થીઓમાં પણ ચિંતાના વાદળ ઘેરાયા છે. અમેરિકામાં હાલમાં કુલ 11 લાખથી વધારે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમાં 3.30 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થી છે.
આમ કુલ વિદ્યાર્થીઓમાં ભારતીયોનો હિસ્સો 23 ટકા છે. અમેરિકામાં હાલમાં 1.1 કરોડથી પણ વધારે ગેરકાયદે ઇમિગ્રન્ટ રહે છે. તેના પર ટ્રમ્પ મોટો પ્રહાર કરે તેમ માનવામાં આવે છે. અમેરિકામાં અભ્યાસ કરતાં 11 લાખથી વધુ વિદ્યાર્થીઓમાંથી 4 લાખ વિદ્યાર્થીઓ પાસે પૂરતા દસ્તાવેજો નથી અને તે અમેરિકાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરી રહ્યા છે.
અલબત્ત, અધિકૃત F વિઝા ધરાવતા 3.30 લાખથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતાની કોઈ વાત નથી, કારણ કે તેમની પાસે અધિકૃત વિઝા છે. અધિકૃત વિઝા ન હોય તેવાને વધુ તકલીફ પડી શકે છે.
ટ્રમ્પ જાહેરાત કરી ચૂક્યા છે કે તે સત્તા સંભાળશે તેની સાથે જ ઇમિગ્રેશન અને આર્થિક નીતિઓને લઈને એક્ઝિક્યુટિવ ઓર્ડર પસાર કરશે. જેથી ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ માટે અમેરિકામાં વસવાટ મુશ્કેલ બનશે. તેમણે 2017માં પહેલી ટર્મ દરમિયાન આવા જ આદેશ આપ્યા હતા તે લોકોને યાદ આવ્યું છે. ટ્રમ્પના શાસનમાં સાત મુસ્લિમ દેશોના નાગરિકોના પ્રવાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવાયો હતો.