બગદાદઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઇરાન સામેના આક્રમક અભિગમે અશાંતિનો પલિતો ચાંપ્યો છે. અમેરિકી સેનાએ રાજધાની બગદાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગયા શુક્રવારે કરેલા ડ્રોન હુમલામાં ઇરાનિયન રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સના કુદ્સ ફોર્સના વડા જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું છે. આ પછી ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખોમૈનીએ સુલેમાનીના હત્યારાઓ સામે આકરો બદલો લેવાની જાહેરાત કરી છે. અમેરિકી પગલાં સામે ઇરાનમાં એ હદે આક્રોશ પ્રવર્તે છે કે એક સંસ્થાએ અમેરિકી પ્રમુખના માથા સાટે આઠ કરોડ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે.
બીજી તરફ મંગળવારે કિર્માની શહેરમાં સુલૈમાનીની અંતિમક્રિયા યોજાઇ હતી, જેમાં ભાગદોડની દુર્ઘટના સર્જાતા ૫૦થી વધુના મૃત્યુ નીપજ્યા હતા જ્યારે ૨૦૦થી વધુને ઇજા થઇ છે. પોતાના પ્રિય નેતાને અંતિમ વિદાય આપવા શહેરમાં લાખો લોકો ઉમટ્યા હતા આ વેળા આ ઘટના બની હતી.
ઘણા હુમલામાં સુલેમાનીની સંડોવણી છેઃ ટ્રમ્પ
પ્રમુખ ટ્રમ્પે પોતાના પગલાંને વાજબી ઠેરવતા કહ્યું હતું કે દિલ્હીથી લંડન સુધીના આતંકવાદી હુમલામાં સુલેમાની સંડોવાયેલો હતો. ટ્રમ્પે પાંચમીએ એવું પણ જાહેર કર્યું હતું કે, ઈરાન વળતો જવાબ આપશે તો તેના બાવન સ્થળનો કચ્ચરઘાણ કાઢી નાખીશું.
બગદાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ત્રીજી જાન્યુઆરીએ થયેલા અમેરિકી હવાઇ હુમલામાં કાસીમ સુલેમાની સાથે ઇરાન સમર્થિત લડાકુઓના સંગઠન પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સિઝ (પીએમએફ)નો ડેપ્યુટી કમાન્ડર અબુ માહદી અલ મુહદ્દિસ પણ માર્યો ગયો હતો.
અમેરિકી લશ્કરી વડા મથક પેન્ટાગોને નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પના આદેશથી આ હુમલો કરાયો હતો. જનરલ સુલેમાની ઇરાકમાં અમેરિકી રાજદ્વારીઓ અને ઇરાકી સેનાના અધિકારીઓ પર હુમલાની યોજના બનાવી રહ્યો હતો. બગદાદના અમેરિકી દૂતાવાસ પર સુલેમાનીના ઇશારે જ હુમલો કરાયો હતો. ઇરાન દ્વારા ઘડાયેલી હુમલાની યોજના નિષ્ફળ બનાવવા જનરલ સુલેમાની પર હુમલો કરાયો હતો અને હુમલામાં તેનું મોત થયું છે.
જેહાદ બમણા જુસ્સા સાથે ચાલુ રહેશેઃ ખોમૈની
સુલેમાનીના મોત પછી ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખોમૈનીએ અમેરિકાને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, સુલેમાનીની હત્યા કરનારા અપરાધીઓ સામે આકરો બદલો લેવાશે. સુલેમાનીની શહાદત અમેરિકા અને ઇઝરાયેલ સામેના સંઘર્ષમાં અમારા જુસ્સાને બમણો કરી નાંખશે. અમારા દુશ્મનો જાણી લે કે જેહાદ જારી રહેશે અને બમણા જુસ્સા સાથે જારી રહેશે. પવિત્ર યુદ્ધમાં જેહાદીઓનો વિજય નિશ્ચિત છે. સુલેમાનીની શહાદત તેમના અથાક પ્રયાસોનો પુરસ્કાર છે. તેમના લોહીથી જેમના હાથ ખરડાયેલા છે તેમના માટે આકરો બદલો રાહ જોઇ રહ્યો છે. ઇરાનના પ્રમુખ હસન રૂહાનીએ જણાવ્યું હતું કે, ઇરાન અને મિડલ ઇસ્ટના મુક્ત દેશો અમેરિકા સામે બદલો લેશે.
જનાજામાં વડા પ્રધાન સહિત લાખો લોકો સામેલ
બગદાદમાં સુલેમાની અને મુહદ્દિસના જનાજા કાઢવામાં આવ્યા હતા. મુહદ્દિસને બગદાદમાં દફનાવાયા હતા જ્યારે સુલેમાનીને ઇરાન લઇ જવાયા અને તેમના વતનમાં દફનવિધિ કરાઈ હતી. તે પહેલાં બગદાદમાં સુલેમાનીના જનાજામાં લાખોની સંખ્યામાં લોકો સામેલ થયાં હતાં. ઈરાકના માર્ગો પર લાગણીભર્યા દૃશ્યો જોવા મળ્યા હતા. લોકો જોર શોરથી રડી રહ્યાં હતાં અને ‘અમેરિકા મુર્દાબાદ, ઇઝરાયેલ મુર્દાબાદ’નાં સૂત્રો પોકારી રહ્યાં હતાં અને આ સૂત્રો લખેલાં બેનર-પોસ્ટર પણ તેમના હાથમાં હતાં. લોકોએ સુલેમાનીની શહાદતને યાદ કરી અમેરિકાથી બદલો લેવાની માગ કરી હતી.
ટ્રમ્પનું માથું લાવનારને ૮ કરોડ ડોલરનું ઈનામ
સુલેમાનીની હત્યા પછી ઈરાન અને અમેરિકા સામસામે ધમકી આપી રહ્યાં છે. ટ્રમ્પે રવિવારે ઈરાનને બ્રાન્ડ ન્યૂ હથિયારોથી હુમલાની ધમકી આપી હતી તો ઈરાને ટ્રમ્પનું માથું વાઢી લાવનારને ૮ કરોડ ડોલર (અંદાજે રૂ. ૫૭૬ કરોડ)નું ઈનામ આપવા જાહેરાત કરી છે.
સુલેમાનીનો મૃતદેહ તહેરાન પહોંચતા પહેલાં ઈરાક અને ઈરાનના વિવિધ શહેરોમાં ફેરવાયો હતો. ઈરાનના શહેર મશાદમાં એક શ્રદ્ધાંજલિ સમારંભમાં સુલેમાનીના મોતના બદલામાં ડોનાલ્ડ ટ્રમ્પનું માથું વાઢી લાવનારને ૮ કરોડ ડોલરનું ઈનામ આપવા ઈરાનની એક સંસ્થાએ જાહેરાત કરી હતી. આ માટે તેણે દેશના પ્રત્યેક નાગરિકને એક ડોલરનું દાન આપવાની હાકલ કરી હતી.
યુએસ-ઇઝરાયલ માટે હવે ખરાબ દિવસોઃ પુત્રી જૈનબ
જનરલ સુલેમાનીના અંતિમ સંસ્કાર તહેરાનમાં થયા હતા અને તેની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો કાળાં કપડાં પહેરીને ઉમટી પડ્યાં હતા. તહેરાન યુનિવર્સિટીમાં હજારો લોકોની ભીડને સંબોધતાં સુલેમાનીની દીકરી જૈનબે કહ્યું હતું કે, મારા પિતા અને ઈરાકના મિલિશિયા નેતા મુહાદ્દિસની હત્યા કરીને ઈરાક - ઈરાન વચ્ચે વિભાજન કરવાની ટ્રમ્પની યોજના નિષ્ફળ રહી છે. એનું એક માત્ર કારણ આ બેઉ દેશો વચ્ચે ઐતિહાસિક એકતા છે અને અમેરિકા એને નફરત કરે છે. મારા પિતાનું મૃત્યુ અમેરિકા અને ઈઝરાયેલ માટે ખરાબ દિવસો લઈને આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાગલ છે અને મૂર્ખતાના પ્રતીક છે.
થોડા જ કલાકોમાં ઇરાકી કાફલા પર ફરી હુમલો
જનરલ સુલેમાનીની અંતિમયાત્રાના થોડા જ કલાકો પૂર્વે ઇરાકમાં ચોથીએ વહેલી સવારે અમેરિકાએ ફરી એક વખત હુમલો કર્યોહતો. ઇરાન સમર્થક લડાકુઓના કાફલા પર થયેલા હવાઈ હુમલામાં ૬નાં મોત થયાં હતાં. સુલેમાની અને મુહદ્દિસના જનાજા પૂર્વે જ આ હવાઈ હુમલો કરાયો હતો. હાશેદ અલ શાબી નેટવર્કના શિયા બહુમતી જૂથો ઇરાન સાથે ગાઢ સંબંધ ધરાવે છે. નેટવર્કે આ હુમલા માટે કોણ જવાબદાર છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નહોતી, પરંતુ ઇરાકના સરકારી ટેલિવિઝને જણાવ્યું હતું કે, અમેરિકી સેના દ્વારા આ હવાઈ હુમલો કરાયો હતો.
ઈરાન બદલો લેશે તો તેનો કચ્ચરઘાણ કાઢી નાખશું
જનરલ સુલેમાનીના મોતનો બદલો લેવા ઈરાનના હેકરોએ અમેરિકન સરકારની વેબસાઈટ હેક કરીને સાયબર હુમલો કર્યો હતો. અમેરિકા પછી યુરોપિયન દેશ ઓસ્ટ્રીયા પર પણ સાઈબર હુમલો કરાયો હતો. બીજી તરફ સોમાલિયાના અલ-શબબ જૂથના જેહાદીઓએ કેન્યાના લામુ પ્રાંતમાં અમેરિકન બેઝ પર હુમલો કરીને તેના એરક્રાફ્ટ અને લશ્કરી વાહનોનો નાશ કર્યો હતો. ઈરાને અમેરિકાના ૩૫થી વધુ સ્થળો તેના રડારમાં હોવાની અને અમેરિકાએ સુલેમાનીના મોતના ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ધમકી આપી હતી.
પછી ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, હુમલાઓ બાદ અમેરિકા ચૂપ નહીં રહે. ઈરાન હુમલાખોરી કરશે તો અમેરિકા તેના બાવન સ્થળે હુમલો કરીને તેનો કચ્ચરઘાણ વાળી નાંખશે. અમેરિકા અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો કરવા તૈયાર છે. અમે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છીએ.
રવિવારે ટ્રમ્પે ટ્વિટ કરી કે, અમારા પર હુમલો કર્યો અને અમે તેમને જવાબ આપ્યો. જો તેઓ ફરી હુમલો કરશે તો આ વખતે તેમને એવો જવાબ આપીશું કે જેવો કદાચ પહેલા ક્યારેય અપાયો નહોતો.
અમેરિકા સામે યુદ્ધના એલાનની સંભાવના
અમેરિકા વિરુદ્ધ નીકળેલી એક રેલી પછી ઈરાનમાં કોમ શહેરની જામકરણ મસ્જિદ પર લાલ ઝંડો ફરકાવાયો હતો. ઈરાનના સ્ટેટ ટેલિવિઝને તેનું પ્રસારણ પણ કર્યું હતું. અહેવાલો પ્રમાણે આ ઝંડો અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાના પ્રતીક સમાન છે. કરબલામાં ઈમામ હુસૈનની હત્યા પછી આવો જ ઝંડો ફરકાવાયો હતો, જે હજી સુધી ઉતારાયો નથી. સોશિયલ મીડિયા પર ઈરાનના યુઝર્સ મુજબ ઈરાનના ઈતિહાસમાં પ્રથમ વખત આ ઝંડો ફરકાવાયો છે. સાથે સાથે ઈરાને જાહેર કર્યું છે કે વર્ષ ૨૦૧૫માં થયેલા પરમાણુ સમજૂતીના કોઈ પણ પ્રતિબંધનું તે પાલન નહીં કરે.
બ્રાઝિલ, ફ્રાન્સ, બ્રિટનના ઇરાનને મનામણા
સુલેમાનીના મૃત્યુના ત્રણ દિવસ બાદ રવિવારે ઈરાને જાહેરાત કરી હતી કે વર્ષ ૨૦૧૫માં થયેલા પરમાણુ સમજૂતીના કોઈ પણ પ્રતિબંધનું તે પાલન નહીં કરે. જેથી આ કરાર કરનારા બીજા દેશો બ્રાઝિલ, ફ્રાન્સ અને જર્મનીએ તાત્કાલિક જોઈન્ટ સ્ટેટમેન્ટ આપીને ઈરાનને મનાવવાની કોશિશ શરૂ કરી હતી.
ઈરાનના પ્રધાનમંડળે રવિવારે આ મુદ્દે નિર્ણય લેવા માટે ઈમર્જન્સી બેઠક બોલાવી હતી. ઈરાને રવિવારે એક નિવેદનમાં જણાવ્યું કે ૨૦૧૫ના પરમાણુ કરાર હેઠળ પરમાણુ સંવર્ધનની ક્ષમતા, એનો સ્તર, સંવર્ધન સામગ્રીના સ્ટોરેજ અથવા સંશોધન કે વિકાસ કરવા પર મુકાયેલા કોઈ પણ પ્રતિબંધને નહીં માને.
શું પ્રમુખ ટ્રમ્પ ઇરાન-ઇરાકના ટ્રેપમાં ફસાયા?
સુલેમાનીની હત્યા બાદ ઈરાકની સંસદે ઈરાકની ધરતી પર રહેલા વિદેશી સૈનિકોને દેશ છોડવા માટે આદેશ આપ્યો છે. આના કારણે લાગે છે કે સુલેમાનીના મોતના પગલે ઈરાક અને ઈરાન એક થયાં છે. ૮૦ના દશકામાં આ બે દેશ એકબીજાની સામે લડતા હતા. ૨૦૦૩માં સદ્દામ હુસેનના ખાત્મા બાદ ઈરાકમાં આઈએસનો જન્મ થયો અને એની સામે લડવામાં ઈરાક અમેરિકા પર નિર્ભર થઈ ગયું હતું. હવે જો ઈરાકની સંસદમાં મંજૂર થયેલો પ્રસ્તાવ અમલમાં આવશે તો અમેરિકા માટે મુશ્કેલી થશે.