વોશિંગ્ટનઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહદાર અજીત ડોભાલ સતત તેમની સાથે દેખાયા છે તેના કારણે ટ્રમ્પે ડોભાલને અભય વચન આપ્યાની ચર્ચા છે. ડોભાલ સામે અમેરિકામાં ખાલિસ્તાનવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કાવતરામાં સામેલ હોવાનો કેસ નોંધાયો છે. ન્યૂ યોર્કની એક કોર્ટે આ કેસમાં ડોભાલ સામે વોરંટ પણ બહાર પાડયું હતું. આ કારણે 2024ના સપ્ટેમ્બરમાં મોદી અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે ડોભાલ ધરપકડની આશંકાએ મોદીની સાથે અમેરિકા નહોતા ગયા. અલબત્ત, ડોભાલને સત્તાવાર રીતે સમન્સ નહોતું પાઠવાયું. મોદી પોતાની અમેરિકાની યાત્રા દરમિયાન સૌથી પહેલાં ઈન્ટેલિજન્સ ચીફ તુલસી ગેબાર્ડને મળ્યા હતા. આ મુલાકાત વખતે ડોભાલ પણ હાજર રહ્યા હતા. દરમિયાનમાં મોદીની મુલાકાત પહેલાં ખાલિસ્તાનવાદી ગુરપતવંતસિંહ પન્નુન અમેરિકાના સંસદ ભવન કેપિટોલ હિલમાં ફરતો દેખાયો હતો. પન્નુને ડોભાલની ધરપકડની માગ પણ કરી હતી.