જોહાનિસબર્ગઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉથ આફ્રિકાને નાણાકીય સહાયમાં કાપ જાહેર કર્યો છે. તેમણે પ્રમુખ રામફોસાની સરકાર શ્વેત આફ્રિકનો સામે ‘અન્યાયી વંશીય-જાતીય ભેદભાવ’ આચરતી હોવાનો આક્ષેપ લગાવવા સાથે કેટલાક કિસ્સાઓમાં વિના વળતરે જમીનો જપ્ત કરવાની છૂટ આપતા કાયદા સામે પણ તીખી ટીકા કરી હતી. પ્રમુખ ટ્રમ્પે શ્વેત આફ્રિકનોને અમેરિકામાં રાજ્યાશ્રય આપવાની તૈયારી પણ દર્શાવી હતી.
અમેરિકી પ્રમુખે 90 દિવસ સુધી વૈશ્વિક સહાયો સ્થગિત કરવાનો નિર્ણય જાહેર કર્યો છે જેમાં સાઉથ આફ્રિકાના HIV/AIDS કાર્યક્રમોને ટેકો આપતા ભંડોળનો પણ સમાવેશ થાય છે. સાઉથ આફ્રિકા દ્વારા આ કાર્યકમો પાછળ ખર્ચાતા નાણામાંથી 17 ટકા અમેરિકી સહાયના છે. પ્રમુખ ટ્રમ્પે સાઉથ આફ્રિકાના જમીનો છીનવી લેવા સરકારને છૂટ આપતા કાયદાના સંદર્ભે અમેરિકા દ્વારા તમામ સહાય અટકાવી દેવાની પણ ધમકી આપી છે. તેમણે આ કાયદાને માનવ અધિકારોના ગંભીર ઉલ્લંઘન સમાન ગણાવ્યો હતો.
ટ્રમ્પના આદેશમાં જણાવાયું છે કે સાઉથ આફ્રિકન સરકારની નીતિઓ રોજગારી, શિક્ષણ અને બિઝનેસમાં સમાન તકનો છેદ ઉડાવી રહી છે. ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકામાં લઘુમતી શ્વેત રંગભેદી શાસનકાળથી સંપત્તિ અને જમીનો પર શ્વેત આફ્રિકનોનો મોટો કબજો છે. દેશની વસ્તીમાં શ્વેત લોકોનો 8 ટકા જેટલો હિસ્સો છે અને ખાનગી જમીનોમાં 75 ટકા જેટલો કબજો ધરાવે છે. બીજી તરફ, અશ્વેતોની વસ્તી 81 ટકા છે.