ઓટ્ટાવા: ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે. વડાપ્રધાન ટ્રુડો હવે ઘરઆંગણે જ ઘેરાઈ રહ્યા છે. સ્થાનિક પંજાબીઓનું માનવું છે કે ટ્રુડોના આરોપો પાછળ ઘરેલુ રાજકારણ જવાબદાર છે. વધુમાં ખાલિસ્તાની આતંકી ગુરપતવંત પન્નૂને માત્ર બે ટકા શીખોનું સમર્થન છે. બીજી બાજુ ભારતીય મૂળના પૂર્વ કેનેડિયન મંત્રી ઉજ્જવલ દોસાંજનો દાવો છે કે ખાલિસ્તાની આંદોલન કેનેડા પુરતું મર્યાદિત થઈને રહી જશે.
નિજ્જરની હત્યા મુદ્દે જસ્ટિન ટ્રુડોએ લગાવેલા આરોપો ભારતે ફગાવી દીધા છે ત્યારે કેનેડાના પત્રકારો અને નિષ્ણાતોનું માનવું છે કે ટ્રુડોના આરોપો શંકાસ્પદ છે અને તેની પાછળ ઘરેલુ રાજકારણ વધુ જવાબદાર છે. કેનેડામાં ખાલિસ્તાની આંદોલન મુદ્દે પત્રકારો અને નિષ્ણાતોનું કહેવું છે કે આ આંદોલનના તાર 1984ના શીખ વિરોધી રમખાણો સુધી જોડાયેલા છે. હવે તેનો ઉપયોગ ઘરેલુ રાજકીય એજન્ડા માટે કરાઈ રહ્યો છે.