કેલિફોર્નિયા: સોશિયલ મીડિયામાં નવા યુદ્ધના મંડાણ થઇ ગયા છે. નવી સોશિયલ મીડિયા સાઈટ થ્રેડ્સ લોન્ચ કરીને માર્ક ઝુકરબર્ગે થોડા સમય પહેલા જ ટ્વિટરને ખરીદનાર ઈલોન મસ્કને સીધો પડકાર ફેંક્યો છે. ઈલોન મસ્કે અનેક રાઉન્ડની વાટાઘાટો બાદ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. ઈલોને એક શેરના 54.20 ડોલર પર સોદો નક્કી કર્યો હતો. ત્યારબાદ, તેણે કરેલી 80 ટકા સ્ટાફની છટણીએ સૌનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું. કંપનીનો નફો વધારવા માટે બ્લુ ટિક માટે ચાર્જ વસૂલ કરવાનું શરૂ કર્યા બાદ માંડ હાશ અનુભવી રહેલા ઈલોનને માર્ક ઝુકરબર્ગે અત્યારની સૌથી મોટી ચેલેન્જ આપી છે. બીજાના આઈડિયાને પોતાના બનાવવામાં માહેર એવા ઝુકરબર્ગે નવી જનરેશન એટલે કે, જેન-ઝેડનું ધ્યાન ખેંચે તેવો ઈન્ટરફેસ બનાવીને તેને નવા જમાના પ્રમાણે બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તેના આ પ્રયાસને અનેક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર્સનો સાથ મળ્યો છે.
આ નવી સાઈટ એક રીતે ઈન્સ્ટાગ્રામની ટ્વીન હોવાથી યુઝર્સને ફોલોઅર્સ જોડવામાં પડતી આસાનીને કારણે અનેક લોકોએ પહેલા દિવસે તેને અપનાવી લીધી હોય તેવું લાગી રહ્યું છે. કહેવાય છે કે, એક સમયના પોપ્યુલર એવા ટ્વિટરને રાજ્કીય રંગ મળતા તેનાથી કંટાળી ગયેલા અનેક લોકોએ એપને અલવિદા કહી દીધુ હતું. નવી એપમાં અનેક લોકોના જોશ સાથે જોડાવવાનું એક કારણ હાલ પૂરતો તેમાં રાજ્કીય રંગ ન હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અમેરિકા, ભારત, જાપાન, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિતના 100 દેશોમાં મેટાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રેડ્સ લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્વિટરને ટક્કર આપવા માટે બનાવવામાં આવેલા પ્લેટફોર્મમાં લાઈવ અપડેટ્સ અને વિવિધ ટોપિક્સ પર ચર્ચાની સગવડ મળશે. ટ્વિટરમાં 280 અક્ષરોમાં ટ્વીટ થાય છે, જે થ્રેડ્સમાં 500 કેરેક્ટર્સની કરવામાં આવી છે. અહીં, યુઝર્સ 500 અક્ષરોમાં પોતાની વાત મૂકી શકે છે. યુરોપિયન યુનિયનના સભ્ય દેશોમાં ડેટા પ્રાઈવસીના મુદ્દે પરવાનગી મળી ન હોવાથી એ દેશોમાં થ્રેડ્સ લોન્ચ થયું નથી.
આ નવા પ્લેટફોર્મને લોન્ચ કરતા સમયે માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે, આ એક ફ્રેન્ડલી પ્લેસ છે. અમે અલગ રીતે કામ કરીએ છીએ. એ જ કારણ છે કે, ટ્વિટર એટલું સફળ થયું નથી, જેટલું તેણે હોવું જોઈએ. આ પ્લેટફોર્મ સફળ થશે, કારણ કે આ એક યુઝર ફ્રેન્ડલી પ્લેટફોર્મ છે. ટ્વિટર જેમ પોસ્ટમાં અલગ-અલગ વિકલ્પો આપે છે તેમ આમાં પણ એવા જ વિકલ્પો મળે છે. થ્રેડ્સમાં લાઈકનું બટન છે. આ સાથે જ રિપોસ્ટ, રિપ્લાય અને ક્વોટ અ થ્રેડના વિકલ્પો મળે છે. પ્લેટફોર્મમાં પાંચ મિનિટ સુધીના વીડિયોઝ અને ફોટો પણ શેર કરી શકાય છે.
મેટાના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે, આ પ્લેટફોર્મનું સમગ્ર ધ્યાન ટેક્સ્ટ પર છે. સંવાદ થાય તે માટેનું છે. ઈન્સ્ટાગ્રામમાં ફોટો અને વીડિયો માટે જે થાય છે એવું જ ટેક્સ્ટ માટે આ પ્લેટફોર્મમાં થશે. આ સાથે જ ઈન્સ્ટાગ્રામના યુઝર્સ એ જ નામથી એકાઉન્ટ્સ ઓપન કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઈન્સ્ટાગ્રામમાં યુઝર્સને અલગ એક્સટેન્શન આપવામાં આવશે.
ટ્વિટરને ટક્કર આપવા લોન્ચ થયેલા આ પ્લેટફોર્મ મામલે ટ્વિટરના સ્થાપક જેક ડોર્સીએ વ્યંગ કરતા ટ્વીટ કર્યું હતું કે, તમારા બધા જ થ્રેડ્સ અમારા છે. થ્રેડ્સનો અર્થ થાય છે દોરો કે સૂત્ર. એ સંદર્ભમાં જેક ડોર્સીએ મેટાના પ્રાઈવસીના મુદ્દે આ ટીખળ કરી હતી. એ ટ્વીટમાં ટ્વિટરના વર્તમાન માલિક ઈલોન મસ્કે જવાબ આપીને સહમતી દર્શાવતા કહ્યું હતુંઃ યસ. માર્ક ઝકરબર્ગ અને ઈલોન મસ્કના મીમ્સથી સોશિયલ મીડિયા ઉભરાઈ ગયું હતું.
ઈલોન મસ્કે જૂની સુવિધા ફરી શરૂ કરી
મેટાનું નવું પ્લેટફોર્મ થ્રેડ્સ લોન્ચ થયું તેની ગણતરીની કલાકોમાં ટ્વિટરના માલિક ઈલોન મસ્કે એક મહત્ત્વનો ફેરફાર કર્યો હતો. ટ્વિટર એકાઉન્ટ ન હોય છતાં અન્ય ટ્વીટ્સ જોવાની પરવાનગી યુઝર્સને આપી છે. અગાઉ આ સુવિધા હતી, પરંતુ મસ્કે એને બંધ કરી દીધી હતી.
ઈલોન મસ્કે ટ્વીટ કરીને જાણકારી આપી હતી એ પ્રમાણે વેરિફાઈ અકાઉન્ટ્સમાંથી સાઈન ઈન થયા વગર દિવસમાં 6000 ટ્વીટ જોઈ શકાશે. વેરિફાય ન થયું હોય એવા યુઝર્સ સાઈન થયા વગર દિવસમાં 600 ટ્વીટ જોઈ શકશે અને નવા એકાઉન્ટમાંથી 300 ટ્વીટ જોઈ શકાશે. એટલે કે એકાઉન્ટ્સ ન હોય છતાં દિવસમાં 300 ટ્વીટ જોઈ શકાશે.
ટ્વિટરમાં અગાઉ આવી સવલત હતી, પરંતુ ઈલોન મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ એકાઉન્ટમાં સાઈન ઈન થયા વગર ટ્વિટર જોવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સાઈન થયા વગર યુઝર્સ ટ્વિટરમાં ટ્વીટને જોઈ શકતા ન હતા. હવે થ્રેડ્સ લોંચ થયા બાદ આવેલો આ ફેરફાર બહુ સૂચક છે. લોકોએ આ બાબતે મસ્કને ટ્રોલ પણ કર્યા હતા અને થ્રેડ્સના ડરથી આ નિર્ણય લીધો હોવાનું કહ્યું હતું.