ન્યૂ યોર્કઃ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ટેસ્લાના ચીફ એલન મસ્કે આખરે ટ્વિટર ખરીદી લીધું છે. આ સોદાની જાહેરાત કરતા કંપનીએ કહ્યું કે આ ડીલ 44 બિલિયન યુએસ ડોલર (અંદાજે 3368 બિલિયન રૂપિયા)માં ડીલ કરાઇ છે. લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરને ખરીદવા માટે એલોન મસ્ક સાથેના સોદા વચ્ચે ટ્વિટરે કહ્યું કે એક વાર એક્વિઝિશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી તે ખાનગી માલિકીની કંપની બની જશે.
આ પૂર્વે મસ્કનું એક ટ્વિટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું હતું. આ ટ્વિટ પરથી સંકેત મળતા હતા કે બન્ને કંપનીઓ વચ્ચે ડીલ થઈ ગઈ છે, બસ સત્તાવાર જાહેરાત જ બાકી છે. અને ખરેખર એવું જ થયું. થોડાક જ કલાકોમાં સ્પષ્ટ થઇ ગયું હતું કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક એલોન મસ્કે ટ્વિટર પર કબજો કરી લીધો છે.
મસ્કે ટ્વિટ કર્યું હતું કે હું આશા રાખું છું કે મારા સૌથી ખરાબ ટીકાકારો પણ ટ્વિટર પર જ રહે, કારણ કે ફ્રી સ્પીચનો આ જ મતલબ છે. મસ્કનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યું છે.
અગાઉ એવા સમાચાર હતા કે ટ્વિટર શેરદીઠ 54.20 ડોલરના રોકડ ભાવે મસ્કના હાથમાં જઈ શકે છે. અહેવાલો અનુસાર, ટ્વિટર સોદો પૂર્ણ કરવાની નજીક હતું. આ એ જ કિંમત છે જે એલન મસ્કે ટ્વિટરને ઓફર કરી હતી. મસ્ક વતી કહેવામાં આવ્યું હતું કે આ તેમની તરફથી શ્રેષ્ઠ અને અંતિમ ઓફર છે.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી ટ્વિટર એલન મસ્કની ઓફર પર વિચાર કરી રહ્યું હતું. બોર્ડની સહમતિ બાદ હવે ટ્વિટર વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મસ્કે એક નિવેદનમાં મોટા ફેરફાર વિશે જણાવ્યું છે. ટ્વિટરે બોર્ડ મીટિંગ બાદ સોમવારે મોડી રાત્રે આ સોદાની જાહેરાત કરી હતી. મસ્કે ગયા અઠવાડિયે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરને ખરીદવાની ઓફર કરી હતી. મસ્કે કહ્યું કે તે ટ્વિટર ખરીદવા માંગે છે કારણ કે તેને નથી લાગતું કે તે સ્વતંત્ર અભિવ્યક્તિના પ્લેટફોર્મ તરીકે તે ખરું ઉતરી રહ્યું છે. વોલ સ્ટ્રીટ જર્નલના સમાચાર અનુસાર ડીલના મામલે મસ્ક અને ટ્વિટર વચ્ચે બેઠક થઈ હતી ત્યારથી નક્કી માનવામાં આવ્યું હતું કે ટ્વિટરે મસ્કની ઓફર સ્વીકારવાનું મન બનાવી લીધું છે.
મસ્ક પાસે ટ્વિટરનો 9.2 ટકા શેરહિસ્સો
ટેસ્લા ચીફ એલોન મસ્ક હાલ ટ્વિટરમાં 9.2 ટકા હિસ્સો ધરાવે છે. તેમણે થોડા સમય પહેલા જ ટ્વિટરમાં આ હિસ્સો ખરીદ્યો હતો. આ સાથે મસ્ક ટ્વિટરના સૌથી મોટા શેરહોલ્ડર બન્યા હતા. જોકે, બાદમાં વેનગાર્ડ ગ્રૂપના ફંડે ટ્વિટરમાં 10.3 ટકા હિસ્સો ખરીદી લીધો હતો. આ રીતે તેઓ કંપનીનો સૌથી મોટા શેરહોલ્ડર બની ગયા હતા.
મોર્ગન સ્ટેનલી પાસેથી ફાઈનાન્સ
એવું જાણવા મળે છે કે ટ્વિટરને ટેકઓવર કરવા મસ્ક મોર્ગન સ્ટેનલી પાસેથી ફાઈનાન્સ મેળવશે. અન્ય નાણાં સંસ્થાઓ પાસેથી પણ ફાઈનાન્સ મેળવાશે. મસ્ક હાલ ટ્વિટરમાં 9.2 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવે છે. તેમના બિડ માટે 56.5 બિલિયન ડોલરનું ફાઈનાન્સ મેળવવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે. પોતાના પૈસા ઉપરાંત મોર્ગન સ્ટેનલી જેવી નાણાં સંસ્થાઓની આ માટે મદદ લેવાશે.