નવી દિલ્હીઃ ઇલેક્ટ્રિક કાર ટેસ્લાના માલિક એલન મસ્કે શુક્રવારે 44 બિલિયન ડોલરમાં ટ્વિટરને ખરીદવાનાં સોદાને હંગામી ધોરણે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. ટ્વિટરનાં સ્પામ અને બોગસ ખાતાઓની ગણતરી અને માહિતી એકઠી કરાઇ રહી છે. આથી સોદો હંગામી ધોરણે સ્થગિત કરાયો છે એમ મસ્કે ટ્વિટ કર્યું હતું. તેમણે ટ્વિટ કર્યું હતું કે, સ્પામ અને બોગસ ખાતા વાસ્તવમાં પાંચ ટકાથી ઓછા મોનેટાઇઝેબલ યૂઝર્સનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ આ સંદર્ભમાં માહિતી એકઠી કરી રહ્યા છે અને ગણતરીની રાહ જોવા માંગે છે. આ મહિનાની શરૂઆતમાં ફાઈલિંગ વખતે ટ્વિટરે એવો અંદાજ રજૂ કર્યો હતો કે સ્પામ અને બોગસ એકાઉન્ટ તેનાં રોજિંદા મોનેટાઇઝ્ડ એક્ટિવ યૂઝર્સ કરતાં પાંચ ટકાથી થોડા વધારે હોવા જોઈએ. મસ્કે જાહેર કર્યું હતું કે, ટ્વિટર પરથી સ્પામ બોટ્સને દૂર કરવાની વાતને તે અગ્રતા આપે છે.
આ નિવેદન પછી બીજા જ દિવસે મસ્કે હંગામી ધોરણે સોદો સ્થગિત કર્યો હતો. થોડા સમય પહેલાં જ મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદવાનો સોદો કર્યો હતો જે હવે ઘોંચમાં મુકાયો છે. કંપનીએ 2023નાં અંત સુધીમાં 7.5 બિલિયન ડોલરની વાર્ષિક આવક તેમજ રોજનાં 315 મિલિયન યૂઝર્સનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો.
ટ્વિટર માટે 7.1 બિલિયન ડોલરનું ભંડોળ એકત્ર
ટ્વિટરે ફાઇલિંગમાં જ એવી ભીતિ વ્યક્તિ કરી હતી કે જ્યાં સુધી મસ્ક સાથેનો સોદો પૂરો ન થાય ત્યાં સુધી તેમાં જોખમો રહેલા છે. ટ્વિટર પર એડવર્ટાઇઝર્સ ખર્ચ કરવાનું ચાલુ રાખશે કે કેમ અને ટ્વિટરનાં ભાવિ પ્લાન અને સ્ટ્રટ્રેજીને સ્વીકારાશે કે કેમ તે અંગે પણ શંકા વ્યક્ત કરાઈ હતી. જો સોદો પાર નહીં પડે તો મસ્ક ટ્વિટરનો ૯ ટકા હિસ્સો વેચી શકે છે. અલબત્ત જો અને તો તેની ભીતિ વચ્ચે મસ્કે ટ્વિટર માટે ફંડ એકઠું કરવાનું ચાલુ રાખ્યું છે. તેમણે 7.1 બિલિયન ડોલર તો એકઠા કરી લીધા છે.
ટ્વિટરના શેરમાં તીવ્ર કડાકો
ટ્વિટરનો સોદો સ્થગિત થવાનાં અહેવાલો જાહેર થતાં જ પ્રિ-માર્કેટ ટ્રેડિંગમાં કંપનીનાં શેરનાં ભાવ 17.7 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીનાં શેરના ભાવ એક વખત તૂટીને 37.10 ડોલરની આસપાસ ટ્રેડ થતાં હતા. બીજી તરફ ટેસ્લાનાં શેરમાં 5 ટકા વૃદ્ધિ થઈ હતી.