વોશિંગ્ટનઃ સોમવારે રાત્રે ટ્વિટરમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એલન મસ્કે ટ્વિટરની આગવી ઓળખ બની ગયેલા બ્લુ બર્ડને હટાવીને તેના સ્થાને ડોગી (કૂતરા)ને લઇ આવ્યા છે. ટ્વિટર યુઝર્સ અચાનક જ લોગોમાં ફેરફાર જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ ફેરફારની ગણતરીની મિનિટોમાં #Dogecoin ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. આ પછી એલન મસ્કે લોગોમાં ફેરફાર થયાની જાહેરાત કરી હતી.
વાસ્તવમાં, સોમવાર મધરાતથી યુઝર્સે તેમના ટ્વિટર એકાઉન્ટ પર બ્લુ બર્ડની જગ્યાએ ડોગી દેખાવાનું શરૂ થયું. આ લોગો જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા. કેટલાકને લાગ્યું કે, કોઈએ ટ્વિટર હેક કર્યું છે. આ લોગો બદલાયાના થોડા સમય બાદ મસ્કે એક ટ્વિટ કર્યું, જેમાં સ્પષ્ટ થઈ ગયું કે ટ્વિટરે તેનો લોગો બદલી નાખ્યો છે.
મસ્કે સોમવારે મોડી રાત્રે એક ફોટો ટ્વિટ કર્યો હતો. જેમાં કારની ડ્રાઇવિંગ સીટ પર એક કૂતરો બેઠો છે અને તે ટ્રાફિક પોલીસને તેનું લાઇસન્સ બતાવી રહ્યો છે. આ લાયસન્સમાં વાદળી પક્ષીનો ફોટો છે (જૂનો Twitter લોગો). આ ડોગી ટ્રાફિક પોલીસને કહી રહ્યો છે કે, ‘આ જૂનો ફોટો છે’. મસ્કના આ ટ્વિટ પછી ટ્વિટર પર લગાવાઇ રહેલી વિવિધ અટકળોનો અંત આવ્યો અને એ સ્પષ્ટ થઈ ગયું કે મસ્કે લોગો બદલ્યો છે.
ઉલ્લેખનીય છે કે મસ્ક અગાઉ પણ ડોગી વિશે સંકેતો આપી ચૂક્યા છે. તેણે ગયા ફેબ્રુઆરીમાં એક ફોટો ટ્વિટ કર્યો હતો. તેના કેપ્શનમાં મસ્કે લખ્યું હતું, ‘ટ્વિટરના નવા સીઈઓ શાનદાર છે.’ ફોટોમાં ટ્વિટરના સીઈઓની ખુરશી પર એક કૂતરો બેઠો હતો. તેની સામેના ટેબલ પર એક કાગળ હતો, જેમાં કૂતરાનું નામ Floki અને તેની પોસ્ટ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર લખેલી હતી. આ પેપર પર ટ્વિટરનો લોગો એટલે કે બ્લુ બર્ડ હતો. જોકે, ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે મસ્ક ટ્વિટરનો વર્ષો જૂનો લોગો બદલવા જઈ રહ્યા છે.