ટોક્યોઃ હિન્દુ લગ્ન પરંપરામાં તમામ વિધિ પૂર્ણ થયા બાદ નવદંપતી મંદિરમાં છેડાછેડી છોડવા જતા હોય છે, પણ જાપાનમાં તો છૂટાછેડા માટેનું આખું મંદિર જ છે. સામાન્ય રીતે લગ્ન માટે મંદિર હોય છે અને છૂટાછેડા માટે કોર્ટ હોય છે, પણ જાપાનમાં છૂટાછેડા માટેનું મંદિર છે અને તે પણ આજકાલનું નહીં, 600 વર્ષ જૂનું!
જાપાનીઝ સમાજમાં બારમીથી તેરમી સદીમાં છૂટાછેડાની જોગવાઈ હતી, પરંતુ આ જોગવાઈ ફક્ત પુરુષો માટે હતી. તે સમયે છૂટાછેડા થઈ શકે તેવો કોઈ માર્ગ જ ન હોવાથી મહિલાએ પતિના ગમેતેવા જોરજુલમને સહન કરવા પડતા હતા. આ અરસામાં 1285માં જાપાનમાં મન્સુગાઓકા ટોકેજી ટેમ્પલની સ્થાપના થઈ હતી.
આ મંદિરની સ્થાપના સાધ્વી કાકુસાને તેના પતિ હોજો ટોકિમુનેની સ્મૃતિમાં કરી હતી. તેઓ તેમના લગ્નથી ખુશ ન હતા, પરંતુ છુટાછેડા પણ લીધા ન હતા. કામાકુરા યુગમાં પતિઓએ ફક્ત ઔપચારિક ડાયવોર્સ લેટર લખવાનો હતો. આ લેટર ફક્ત સાડા ત્રણ લાઇનની નોટિસ હતો. તેના આધારે તેઓ કોઈ પણ કારણ આપ્યા વગર છૂટાછેડા લઈ શકતા હતા.
બીજી બાજુએ મહિલાઓને આવો કોઈ અધિકાર જ ન હતો. પતિ સાથે છૂટાછેડા લેવા માંગતી મહિલાઓને આ મંદિરમાં આશ્રય આપવામાં આવતો હતો. ટોકેજીમાં ત્રણ વર્ષ રહ્યા પછી તે ઇચ્છે તો તે પાછી તેના પતિ પાસે પરત ફરી શકતી હતી. તેના પછી આ સમયગાળો ઘટાડી બે વર્ષ કરાયો હતો. તેના પગલે આ સ્થળ ટેમ્પલ ઓફ ડાયવોર્સ કે ટેમ્પલ ઓફ સેપરેશન ઓળખાવા લાગ્યું હતું.
આજે 600 વર્ષ થયે આ ટેમ્પલના સંકુલની અંદર પુરુષોને આવવાની છૂટ નથી. 1902માં અંગકું-જીએ આ મંદિરનું સુપરવિઝન હસ્તગત કર્યુ હતું અને પુરુષની નિમણૂક કરી હતી. આ મંદિર જાપાનના કાલામુરા વિસ્તારમાં આવેલું છે અને બૌદ્ધ મંદિર છે. 1923માં આવેલા ભૂકંપના લીધે આ મંદિરના સ્થાપત્યને જબરજસ્ત નુકસાન પહોંચ્યું હતું. તેનો જીર્ણોદ્વાર કરતા દસ વર્ષ લાગ્યા હતા. મંદિરનું પોતાનું કબ્રસ્તાન છે, તેમા કેટલીય સેલિબ્રિટીને દફનાવાઇ છે. આ ટેમ્પલની ચીફ નન કે મુખ્ય સાધ્વી હોવુ મહત્વનો હોદ્દો છે. મુખ્યત્વે રાજવી કુટુંબની મહિલાઓ જ પતિના અવસાન પછી ચીફ નન બને છે. જાપાનમાં 1873માં છૂટાછેડાનો કાયદો આવ્યા પછી આ સ્મારકે મહિલાઓ માટે છૂટાછેડાની અપીલો જારી કરવાનું બંધ કર્યુ હતું.