વોશિંગ્ટનઃ વિશ્વભરના વિજ્ઞાનીઓ વધતી ઉંમરને ઘટાડવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમને ઉમર ઘટાડવાનો કોઈ અકસીર ઉપાય મળ્યો નથી. જોકે 56 વર્ષીય પૂર્વ અમેરિકી મરિન પ્રોફેસર જોસેફ ડિતુરીએ તેમની ઉંમરમાં 10 વર્ષનો ઘટાડો કર્યો છે. ‘ડોક્ટર ડીપ સી’ તરીકે જાણીતા પ્રોફેસર ડિતુરી વાસ્તવમાં એક પ્રયોગના ભાગરૂપે લગભગ 100 દિવસ સુધી પાણીની નીચે પ્રેશરાઈઝ્ડ પોડમાં રહ્યા હતા. તેઓ અંદર રહીને માનવ શરીર પર થતી અસરોનો અભ્યાસ કરવા માગતા હતા.
પાણીમાંથી બહાર આવ્યા પછી પ્રોફેસરના શરીર પર કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તેમની બાયોલોજિકલ ઉમર લગભગ 10 વર્ષ ઘટી હતી. મતલબ કે તેમના શરીરમાં 10 વર્ષ પહેલા જેવી ફિટનેસ થઇ ગઇ હતી.
30 ફૂટની ઊંડાઈએ રહ્યા હતા
56 વર્ષીય પ્રોફેસર ડિતુરી ગયા વર્ષે ‘પ્રોજેક્ટ નેપ્ચ્યુન-100’ અંતર્ગત ફ્લોરિડાના લાર્ગોમાં એટલાન્ટિક મહાસાગરમાં ઉતર્યા હતા. આ દરમિયાન ડિતુરી જુલ્સ અંડરવોટર હોટેલ દ્વારા બનાવવામાં આવેલા 100 ચોરસ ફૂટના પોડની અંદર રહ્યા હતા. આ પોડ દરિયાઇ સપાટીથી 30 ફૂટની ઊંડાઈએ ગોઠવાયો હતો. 100 દિવસ પાણીની અંદર રહેવાના આ કાર્યક્રમમાં 93 દિવસ માનવશરીર પર પાણીની ઊંડાઈથી થતી અસરોને લગતા સંશોધન પર આધારિત હતા. આ પરાક્રમ બદલ ડિતુરીનું નામ ગિનીસ બુકમાં પણ નોંધાયું છે.
કોલેસ્ટ્રોલ સ્તર 72 પોઇન્ટ ઘટ્યું
દરિયાઇ ઊંડાણમાં રહેવાને કારણે ડિતુરીના શરીરમાં થયેલા ફેરફારો અંગે એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર જોસેફ ડિતુરીની ઉમર 10 વર્ષ ઓછી થઈ ગઈ છે. એટલે કે તેઓ 10 વર્ષ પહેલાં જેટલા ફિટ હતા તેટલા જ ફિટ થઈ ગયા છે. તેમના શરીરમાં સકારાત્મક ફેરફારો થયા છે.
ખરેખર, વધતી ઉમર સાથે આપણા ડીએનએમાં ફેરફારો થાય છે. ગુણસૂત્ર કે ક્રોમોસોમનો સૌથી ઉપલો ભાગ જેને ટેલોમેર કહેવાય છે તેમાં વયની સાથે ઘટાડો નોંધાય છે. જોકે ડિતુરીના ટેલોમેરમાં પાણીમાં ઉતર્યા પહેલાંની સરખામણીમાં 20 ટકાની વૃદ્ધિ થઈ છે. આ સાથે તેમના સ્ટેમ સેલની સંખ્યામાં પણ વધારો થયો છે. તેમના કોલેસ્ટ્રોલના સ્તરમાં પણ 72 પોઈન્ટનો નોંધપાત્ર ઘટાડો થયો છે. નવ મહિના પછી પણ તેમના શરીરમાં આ ફેરફારો જોવા મળી રહ્યા છે.
ઊંઘની ગુણવત્તા પણ સુધરી
ડિતુરીની ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. તેમની 60-66 ટકા રાત ગાઢ નિદ્રામાં પસાર થાય છે, જે સારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. પ્રોફેસર ડિતુરીએ એક અખબાર સાથેની વાતચીતમાં કહ્યું કે માનવીને આજે એવા સ્થળોની જરૂર છે જે દુનિયાથી સંપૂર્ણપણે અલિપ્ત હોય. લોકોએ એકાદ-બે અઠવાડિયાં માટે વેકેશનમાં આવાં સ્થળોની મુલાકાત લેવી જોઈએ, ત્યાં જઇને શાંતિપૂર્વક રહેવું જોઇએ. ડોક્ટરોનું કહેવું છે કે પ્રોફેસરના શરીરમાં જોવા મળી રહેલા ફેરફારો પાણીની અંદરના દબાણને કારણે થયા છે.