જેરુસલેમઃ ઇઝરાયલ પ્રવાસ દરમિયાન વડા પ્રધાન મોદી ૨૦૦૮ના મુંબઈ આતંકી હુમલામાં પોતાનાં માતા-પિતા ગુમાવનાર ૧૧ વર્ષના મોશે હોલ્ટ્ઝબર્ગને મળ્યા હતા. આ પ્રસંગે મોશેનાં દાદા-દાદી પણ હાજર હતાં. મોદીએ મોશેને પૂછયું હતું કે શું તને ફરી ભારત આવવાનું ગમશે?ત્યારે મોશેએ તરત જ ‘હા’માં જવાબ આપ્યો હતો. હુમલા વખતે મોશેની ઉંમર માત્ર બે વર્ષની હતી, તે વખતે આયા સેન્ડ્રા સેમ્યુઅલે તેનો બચાવ કર્યો હતો. મોશેએ કહ્યું હતું કે ‘ડિયર મિસ્ટર મોદી મૈં આપસે ઔર ભારત કે લોગો સે પ્યાર કરતા હું...’ મોદી સાથેની મુલાકાત વેળા મોશેએ જાતે લખેલું નિવેદન વાંચીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
મોદીએ મોશેને કહ્યું કે જો તું મુંબઈ આવવા ઇચ્છતો હોય તો તારું સ્વાગત છે. તું જ્યારે આવવા ઇચ્છતો હોય ત્યારે આવી શકે છે અને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ હુમલામાં આતંકીઓએ નરીમાન હાઉસમાં બંધકોને મારી નાખ્યાં હતાં તેમાં મોશેનાં માતા રિવકા અને પિતા ગેવરિલ પણ સામેલ હતા.