સિડનીઃ ઓસ્ટ્રેલિયાનો એક કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. એક દંપતીએ 2004માં લગ્ન કર્યા હતા. એ પછી બંને વચ્ચે મતભેદ થતાં 2015માં ડિવોર્સ લઇને છૂટા પડી ગયા. એ પછી બંને વચ્ચે કેટલાય વર્ષો સુધી સંપર્ક રહ્યો નહીં. આ પછી એક ઈ-મેઇલે બન્નેને ફરી એક કર્યા છે. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં રહેતી ડેનિયલ કર્ટિસ અને ટિમ કર્ટિસની આ અનોખી લવસ્ટોરી ચર્ચાસ્પદ બની છે. 2002માં બંને ઓનલાઈન ડેટિંગના માધ્યમથી મળ્યાં અને બે વર્ષ સુધી ડેટ કર્યા બાદ 2004માં લગ્ન થયાં.
2012 સુધીમાં તો બંને વચ્ચે ખૂબ મતભેદો વધી ગયા. આખરે 2015માં તેઓ ડિવોર્સ લઈને છૂટા પડયા. 10-11 વર્ષના લગ્નજીવનના કારણે બંનેને ત્રણ સંતાનો પણ હતા. ડિવોર્સ પછી ટિમ તેની રીતે સંતાનોને મળતો હતો અને મદદ કરતો રહેતો હતો, પરંતુ પતિ-પત્ની વચ્ચે કોઈ વાત થતી ન હતી કે મુલાકાત પણ થતી ન હતી. બંને એક તબક્કે અલગ અલગ વ્યક્તિઓને ડેટ પણ કરવા લાગ્યા હતા.
આ દરમિયાન અચાનક એક દિવસ ડેનિયલે તેના પૂર્વ પતિ ટિમને ઈ-મેલ કર્યો. લગ્ન તૂટયા તે બદલ ડેનિયલે ટિમની માફી માગી અને બાળકોના ઉછેરમાં ટિમ મદદરૂપ થાય છે તે બદલ તેનો આભાર માન્યો. આ ઈ-મેઇલનો ટિમે છ માસ સુધી કોઈ જવાબ ન આપ્યો. ડેનિયલ પણ એ ઇ-મેઈલની વાતને ભૂલી ગઈ હતી.
અચાનક એક દિવસ ડેનિયલના ઈન-બોક્સમાં ટિમનો મેઈલ હતો. ટિમે લખ્યું હતુંઃ લેટ્સ મીટ એન્ડ ટોક. બંને એક રેસ્ટોરન્ટમાં મળ્યા. પહેલાં જેવી રીતે ડેટ કરતાં હતા એવું જ બંનેને લાગ્યું. ડેનિયલને ટિમ પ્રત્યે ફરીથી પ્રેમનો અનુભવ થયો. થોડા મહિના બાદ સાથે રહેવાનું શરૂ કર્યું અને 2019માં સંતાનોની હાજરીમાં બીજી વખત લગ્ન કર્યાં. એક ઈન્ટરવ્યૂમાં ડેનિયલે આ લવસ્ટોરી જણાવી તે પછી આ અનોખા લગ્ન, ડિવોર્સ અને લગ્નનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે.