ડિસેમ્બરમાં ચીની સૈનિકો લદ્દાખમાં ઘૂસ્યા હતા! કલમ ૩૭૦ હટાવ્યા પછી બીજો બનાવ

Tuesday 21st January 2020 07:37 EST
 

નવી દિલ્હીઃ ચીની સેનાએ ફરીવાર અવળચંડાઇ કરીને ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો હતો. આ વખતે તેમણે લદ્દાખમાં ઘુસણખોરી કરવા પોતાના ભરવાડોને આગળ કર્યા હતા જેઓ ભારતીય ભરવાડોને તેમના પશુધન સાથે ગૌચર જમીનમાં પ્રવેશી રહ્યા હતા. આમ ફરીવાર ભારતીય-ચીની સૈનિકો સામસામે આવી જાય એવી સ્થિતી ઊભી થઇ હતી. આ ઘટના ખરેખર તો ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં બની હતી, પરંતુ હવે તે બહાર આવી હતી. લદ્દાખના ચતુર વિસ્તારમાં ચીનાઓએ દુસાહસ કર્યો હતો. ચીની ભરવાડો તેમના પશુઓ સાથે ભારતીય સરહદમાં ઘુસી ગયા હતા. કાશ્મીરમાંથી ૩૭૦ કલમ હટાવ્યા પછી ચીની ઘૂસણખોરીનો આ બીજો બનાવ નોંધાયો હતો.

ચીની ભરવાડોએ ભારતીય સરહદમાં પશુઓ સાથે આવેલા ભરવાડોનો માત્ર વિરોધ જ કર્યો નહતો, બલકે તેમને ભગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમની આ ગેરકાયદે અને શરમજનક હરકતમાં ચીની સૈનિકો પણ તેમની મદદ કરતા હતા.

જે સેકટરમાં ભારતીય ભરવાડો પશુધનને ચરાવતા હતા તે ખુલ્લી જગ્યા છે અને ભારતીય ભરવાડો લગભગ દરરોજ પોતાના પશુઓને લઇને ત્યાં જતા જ હોય છે. ઘટના બની એ દિવસે પણ ભારતીય ભરવાડો પશુઓને લઇને તે વિસ્તારમાં ગયા હતા. એ વખતે જ ચીની ભરવાડો પણ પોતાના પશુ લઇને ત્યાં આવી ચઢ્યા હતા અને ભારતીય ભરવાડોને ત્યાંથી ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.

ભારતની ઇન્ડો-તિબેટ પોલીસે ચીની સૈનિકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ભારતીય ભરવાડોને આશ્વાસન આપ્યું હતું કે ભારત-ચીન વચ્ચેની સરહદ બેઠકમાં આ અંગે ચર્ચા કરાશે અને ત્યાં જ એનો ઉકેલ પણ લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય વર્ષોથી ચીન ખરેખર અંકુશ રેખા પાસે આવેલી ભારતીય જમીનને પચાવી પાડવાનો પ્રયાસ કરે છે.

આ કૃત્ય કરવા માટે ચીનાઓ અવનવા ષડયંત્રો રચે છે. ૨૦૧૯માં તો ચીની સૈનિકોએ અનેક વખતે ભારતીય સરહદમાં ઘુસણખોરી કરી હતી. જો કે વાસ્તવિકતા એ પણ છે કે આ વિસ્તારમાં આવેલી સરહદને વિભાજીત કરતી કોઇ જ નિશાની નથી કે કોઇ વાડ પણ બનાવવામાં આવી નથી. આ કારણસર બંને સેનાઓ વચ્ચે વિવાદ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter