ધીરે ધીરે હવે ઘણા દેશો લોકડાઉનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે અને લોકડાઉન દરમિયાન પણ જ્યારે લોકો જરૂરી ચીજો લેવા ઘરની બહાર નીકળે છે, ત્યારે મોટા ભાગના લોકોનો પ્રયાસ એવો હોય છે કે માસ્ક અને હાથ મોજાં પહેરીને જ નીકળે. આ જ કારણથી ઘણા દેશોમાં માસ્ક અને ડિસ્પોઝેબલ ગ્લોવ્ઝની અછત પ્રવર્તે છે. બીમારીથી બચવા માટે ગ્લોવ્ઝનો ઉપયોગ બહુ જાણીતી વાત છે. હવે તો બધા જ જાણે છે કે કોરોના વાઇરસ કઇ રીતે ફેલાય છે. કોઇ સંક્રમિત વ્યક્તિ તમારી આસપાસ ખાંસી ખાય કે છીંકે તો તેનાથી તમને ચેપ લાગી શકે છે અથવા તો એવું પણ થાય કે સંક્રમિત વ્યક્તિ ઉધરસ કે છીંક ખાય ત્યારે મોમાંથી બહાર નીકળતાં ટીપાં જો કોઇ સપાટી પર પડે અને તમારો હાથ એ સપાટી પર પડે અને ભૂલથી તે આંખ, નાક કે મોં સાથે લાગી જાય તો પણ સંક્રમણ લાગી શકે છે.
ગ્લોવ્ઝના ઉપયોગમાં ગાફેલ ન રહો
ડિસ્પોઝેબલ ગ્લોવ્ઝ વિનાયલ, લેટેક્સ કે પછી નાઇટ્રાઇલના બનેલા હોય છે. તેને પહેરવાથી સુરક્ષાનો અહેસાસ ભલે થતો હોય, પરંતુ એ અહેસાસ તમને છેતરી શકે છે. જ્યારે તમે સામાન ખરીદવા માટે ગ્લોવ્ઝ પહેરીને ઘરની બહાર નીકળો છો, તો એટલું ચોક્કસ રહેવું કે હાથ ચહેરા પર હાથ ન લાગે. જો તમે ગ્લોવ્ઝ પહેરીને જ ફોનને અડકો છો તો વાઇરસ સરળતાથી ફોનની સપાટી પર ફેલાઇ જાય છે. પછી ઘરે જઇને ભલે તમે ગ્લોવ્ઝ ઉતારીને ફેંકી દો પણ ફોનને ફરી પકડવાના જ છો. અને વાઇરસને એ વાતનો ફર્ક નથી પડતો કે શરીરમાં ખુલ્લા હાથે પ્રવેશવું કે ગ્લોવ્ઝ પરથી.
અયોગ્ય ઉપયોગ જોખમ વધારે છે
જર્મનીના એક ડોક્ટર યેન્સ મેથ્યુસનું પણ એવું જ માનવું છે. તેમણે મીડિયાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તમને વાઇરસથી બચાવવાને બદલે તે ઊલટું કામ કરે છે. મેથ્યુસનું કહેવું છે કે, સ્વચ્છ હાથની સરખામણીએ ડિસ્પોઝેબલ ગ્લોવ્ઝ અનેક ગણા વધુ બેક્ટેરિયા ભેગા કરી શકે છે. આ જ રીતે એક વિજ્ઞાની ડોક્ટર જેકલીન ગિલે પણ ગ્લોવ્ઝનો ઉપયોગ કરવા અંગે સોશિયલ મીડિયા પર પોતાની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં સમજાવ્યું છે કે ડિસ્પોઝેબલ ગ્લોવ્ઝને યોગ્ય રીતે કઇ રીતે ઉપયોગમાં લઇ શકાય? સાથે સાથે એ પણ સમજાવ્યું છે કે ખોટી રીતે ઉપયોગ કરવાથી શું જોખમ હોઇ શકે?
ખોટા ઉપયોગથી સંક્રમણનું વધે જોખમ
આ જ કારણસર ડોક્ટરો હવે માગણી કરી રહ્યા છે કે આ મામલે લોકોને જાગૃત કરવાની જરૂર છે કે ગ્લોવ્ઝનો ખોટો ઉપયોગ સંક્રમણના જોખમને વધારી દે છે. આમ પણ ડિસ્પોઝેબલ ગ્લોવ્ઝ પહેરવાથી થોડીક વારમાં પરસેવો થવા માંડે છે. બેક્ટેરિયા અને વાઇરસને ફેલાવા માટે એ જ તો જોઇએ.
જર્મનીના ડોક્ટર માર્ક હાનેફેલ્ડે તો ટ્વિટર અને ફેસબુક પર ત્યાં સુધી લખ્યું છે કે, જાહેર સ્થળે મેડિકલ ગ્લોવ્ઝ પહેરવાનું બંધ કરો, એ સ્વાસ્થ્ય સાથે મોટા ચેડાં છે. ગ્લોવ્ઝની નીચે ગરમ અને ભેજવાળી સ્થિતિ હોય છે, જેમાં રોગના જંતુઓ સારી રીતે વિકસે છે. ગ્લોવ્ઝ ઉતાર્યા બાદ હાથોને જંતુમુક્ત નહીં કરીને તમે તમારા જ હાથ પર ગંદકી લઇને ફર્યા કરો છો.
ગ્લોવ્ઝનો ઉપયોગ કરતા પણ શીખવું પડે
ઓસ્ટ્રિયન સોસાયટી ફેર હોસ્પિટલ હાઇજીનના અધ્યક્ષ ડોક્ટર ઓયાન અસાદિયાન પણ વર્ષોથી ડિસ્પોઝેબલ ગ્લોવ્ઝના ખોટા ઉપયોગ સામે ચેતવણી ઉચ્ચારતા રહ્યા છે. એક સાયન્સ મેગેઝિન સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, રોજિંદા જીવનમાં તો ગ્લોવ્ઝ પહેરવાની સલાહ એ મેડિકલ સ્ટાફ્ને પણ નહીં આપું જેમને પૂરી તાલીમ મળી નથી.
ગ્લોવ્ઝના યોગ્ય ઉપયોગ માટે ઘણી જાણકારી જોઇએ અને અનુભવની જરૂર હોય છે. તેને એ રીતે હાથ પરથી ઉતારવાના હોય છે કે ગ્લોવ્ઝના કીટાણુ ગ્લોવ્ઝ પર જ રહે અને હાથ, કાંડા કે પછી બીજે ક્યાંય તે લાગી ન જાય.
વાઇરસથી બચવું હોય તો ગ્લોવ્ઝનો ઉપયોગ ટાળો
નિષ્ણાતોનું તારણ સ્પષ્ટ કહે છે કે તમે તમારી જાતને અને આસપાસના લોકોને કોરોના વાઇરસથી બચાવવા ઇચ્છતા હો તો ડિસ્પોઝેબલ ગ્લોવ્ઝના ઉપયોગથી બચો. કોરોના વાઇરસથી બચવું હોય તો હાથને સારી રીતે સાબુથી ધુઓ, લોકોથી અંતર જાળવો અને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહો. જો તમારે ગ્લોવ્ઝનો ઉપયોગ કરવો જ હોય તો ગ્લોવ્ઝનો ઉપયોગ કરીને તરત જ તેને ફેંકી દો. ધ્યાન રહે તેને બેદરકારીથી ગમે ત્યાં પડી રહેવા ન દો. એટલું જ નહીં, તેને ઉતાર્યા બાદ હાથને ખૂબ સારી રીતે સાબુ કે સેનિટાઇઝરથી સાફ કરી નાખો.
માસ્ક-ગ્લોવ્ઝનો નિકાલ કઈ રીતે કરશો?
નિષ્ણાતો માસ્ક અને ગ્લોવ્ઝ બંને માટે એવી સલાહ આપે છે કે તેનો ઉપયોગ કરીને તેને પ્લાસ્ટિકની કોથળીમાં બરાબર બાંધી દે અને પછી તેને કચરાપેટીમાં નાખી દો. જો સુપરમાર્કેટમાં શોપિંગ કરો તો બહાર નીકળ્યા બાદ તેને શોપિંગ કાર્ટ કે શોપિંગ બાસ્કેટમાં છોડવાની લાપરવાહી નહીં કરવી.