વોશિંગ્ટન: ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે ડેટ્રોઇટ શહેરમાં એક યહૂદી મહિલાની હત્યા કરાઇ છે. હુમલાખોરોએ યહૂદી પ્રાર્થના સ્થાન બોર્ડ અધ્યક્ષ સામંથા વોલની ક્રૂર હત્યા કરી નાંખી હતી. પોલીસના જણાવ્યા મુજબ શનિવારે સવારે 6.30ના સુમારે લાફાયેત પાર્ક ખાતે આવેલા નિવાસસ્થાન બહાર જ સામંથા ઢળી પડેલી હાલતમાં મળી આવ્યાં હતાં. તેમના પર હુમલાખોરોએ ખંજરથી હુમલો કર્યો હતો. પોલીસને સ્થળ પર લોહીના નિશાન મળી આવ્યા હતા. પોલીસનું માનવું છે કે સામંથાને ખંજરના ઘા ઘરની અંદર મારવામાં આવ્યા હતા. સ્થળ પર પહોંચેલી તબીબોની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા. જોકે હુમલો થવાનું કારણ હજી સામે નથી આવ્યું. પોલીસ તપાસ કરી રહી છે.