લંડનઃ ફોરેન એફેર્સ સિલેકટ કમિટીએ લિબિયામાં પૂર્વ વડા પ્રધાન કેમરનના હસ્તક્ષેપની આકરી ટીકા કરી છે. યોગ્ય ઈન્ટેલિજન્સ એનાલીસિસ વિના કરાયેલો હસ્તક્ષેવ લિબિયામાં શાસનને ઉથલાવવા અને પરિણામસ્વરુપ તે દેશને આંતરવિગ્રહ તરફ દોરી ગયો હોવાનું કમિટીના રિપોર્ટમાં જણાવાયું છે.
ઈરાક યુદ્ધ વિશે ચિલકોટ રિપોર્ટ જેવો જ આ રિપોર્ટ કેમરનની વિદેશનીતિના વારસાને નુકસાન પહોંચાડનારો બની રહેશે. જોકે, સિલેક્ટ કમિટીને આંતરિક દસ્તાવેજો જોવાં મળ્યા ન હતા. સાંસદ તરીકે ૧૨ સપ્ટેમ્બરે જ રાજીનામું આપી ચુકેલા ડેવિડ કેમરને કન્ઝર્વેટિવ સાંસદ ક્રિસ્પિન બ્લંટના વડપણ હેઠળની સિલેક્ટ કમિટી સમક્ષ જુબાની આપવાનો ઈનકાર કર્યો હતો.
લિબિયામાં કનર્લ મુઅમ્માર ગદ્દાફીને ઉથલાવ્યા પછી બ્રિટન અને ફ્રાન્સે રસ ગુમાવી દીધો હોવાના યુએસ પ્રમુખ બરાક ઓબામાના મૂલ્યાંકનને આ રિપોર્ટનો ટેકો મળ્યો છે. ઓબામાએ કહ્યું હતું કે ફ્રાન્સ અને યુકેએ સ્થિરતા અને રિકન્સ્ટ્રક્શન અંગે નેતાગીરી દર્શાવી ન હતી. અન્ય બાબતોમાં પરોવાઈ ગયેલા કેમરને પણ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. લિબિયા હાલ રાજકીય અને આર્થિક અરાજકતામાં ફસાયું છે. મુખ્ય ઓઈલ ટર્મિનલ્સનો કબજો મેળવવા અલગ અલગ જૂથો લડે છે અને યુએનનો ટેકો ધરાવતી સરકારને પ્રજાનો પણ ટેકો નથી. બાકીના આફ્રિકામાંથી હજારો નિર્વાસિતો દેશમાં આવી રહ્યાં છે અને યુરોપ પહોંચવા જોખમી યાત્રાઓ કરે છે.
બ્રિટિશ સરકારે લંડનમાં અભ્યાસ કરતા ગદ્દાફીના પુત્ર સૈફ ગદ્દાફી તેમજ મુઅમ્માર ગદ્દાફી સાથે પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરના સંબંધોનો લાભ નહિ લેવા બદલ પણ ભારે ટીકાઓ કરાઈ છે.