લંડન, બર્લિનઃ જર્મનીની સૌથી મોટી બેન્ક ડોઈચ બેન્ક નાણાકીય કટોકટીમાં સપડાતાં વિશ્વના શેરબજારોમાં અંધાધૂંધી વ્યાપી છે. બીજી તરફ, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે તેમની સરકાર મુશ્કેલીમાં આવેલી ડોઈચ બેન્કની વહારે ધાશે તેવી શક્યતા નકારી હોવાના અહેવાલોથી રોકાણકારોએ ઝડપથી ફાઈનાન્સિયલ સ્ટોક્સ વેચવા માંડવાથી FTSE 100 કંપનીઓનાં મૂલ્યમાં ૨૩ બિલિયન પાઉન્ડ ભારે ધોવાણ થયું હતું. બ્રિટનની ટોપ બેન્કોના મૂલ્ય ચાર બિલિયન પાઉન્ડનું ધોવાણ થયું હતું અને રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડના શેર ૨.૮ ટકા અને લોઈડ્ઝના શેર ૩.૧ ટકા ઘટી ગયા હતા.
નીચા વ્યાજ દરો અને મંદ વિકાસના કારણે ગયા વર્ષે ડોઈચ બેન્કનું મૂલ્ય અડધોઅડધ ઘટી ગયું હતું. સોમવારે ડોઈચે બેન્કના શેરો વધુ ૭.૫ ટકા તૂટી પડતા અન્ય ફાઈનાન્સ સ્ટોક્સ પણ પટકાયા હતા. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે ચેતવણી આપી છે કે ડોઈચ બેન્ક અન્ય બેન્કો સાથે પણ સંકળાયેલી હોવાથી તેની નિષ્ફળતા યુરોપમાં વ્યાપક આર્થિક પતન નોંતરી શકે છે. ગયા વર્ષે જર્મન બેન્કે ૫.૯ બિલિયન પાઉન્ડ ગુમાવ્યા હતા અને તેની અમેરિકન શાખા ફેડરલ રિઝર્વ ટેસ્ટમાં નિષ્ફળ જવાથી પણ મુશ્કેલી વધી છે, જેનાથી તેના ભાવિ વિશે શંકાઓ વ્યાપી છે.
ડોઈચ બેન્ક તેના કોમ્પ્લેક્સ, હાઈ-રિસ્ક ડેરિવેટીવ ટ્રેડ્સના ૩૫ ટ્રિલિયન પાઉન્ડના પોર્ટફોલિયોના વજનના ભારે દબાણ હેઠળ છે અને તેના તૂટી પડવા સાથે ફાઈનાન્સિયલ સિસ્ટમ ધરાશાયી થવાનું પણ જોખમ છે. ગત સપ્તાહે યુએસ સત્તાવાળાઓ દ્વારા ફાઈનાન્સિયલ કટોકટી સમયે નકામા મોર્ગેજ ઋણના વેચાણ સંબંધે બેન્કને૧૦.૮ બિલિયન પાઉન્ડની નોટિસ ફટકારાઈ છે. તેનાથી પણ બજારોને જોરદાર આંચકો લાગ્યો હતો. બેન્કનું કહેવું છે કે તેને સંપૂર્ણ રકમ ચુકવવી નહિ પડે અને આખરી આંકડો વાટાઘાટો પછી નક્કી થશે. જોકે, બેન્કનું સંપૂર્ણ મૂલ્ય માત્ર ૧૨.૭ બિલિયન પાઉન્ડ જ હોવાથી રોકાણકારો નાહિંમત છે.
જર્મન મેગેઝિનમાં અહેવાલ હતા કે મિસિસ મર્કેલે બેન્કને બેઈલઆઉટનો ઈનકાર કરી દીધો છે, જેના પગલે સોમવારનું ધોવાણ સર્જાયું હતું. યોર્કશાયરમાં જન્મેલા ડોઈચ બેન્કના ચીફ એક્ઝિક્યુટિવ જ્હોન ક્રાયન સમક્ષ ચાન્સેલરે પોતાનો મત સ્પષ્ટ કર્યો હોવાનું સરકારી અધિકારીઓએ જણાવ્યું છે. આ અહેવાલ સાથે જ બેન્કના શેર્સ ૭.૩ ટકા ઘટી ગત ૨૫ વર્ષના તળિયે પહોંચ્યા હતા.