વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશ પ્રધાન રેક્સ ટિલરસનને બરતરફ કરી નાખ્યા છે. આ સાથે જ તેમના સ્થાને સીઆઇએના વર્તમાન ડાયરેક્ટર માઇક પોમ્પિયોની નિમણૂકની જાહેરાત કરી છે. ટિલરસનની સેવા માટે આભાર માનતા ટ્રમ્પે ટ્વીટ કર્યું કે નવા વિદેશ પ્રધાન ખૂબ સારી રીતે કામ કરશે. આ સાથે તેમણે ટ્વીટમાં જ માહિતી આપી છે કે સીઆઈએના નવા ડાયરેક્ટર તરીકે જિના હાસ્પેલની નિમણુંક કરવામાં આવી છે. જિના હાસ્પેલ અમેરિકામાં સીઆઈએનાં પ્રથમ મહિલા ડાયરેક્ટર હશે.
રેક્સ ટિલરસન વિશ્વની સૌથી મોટી ઓઇલ કંપનીઓમાંની એક એક્સોન-મોબિલના મુખ્ય કાર્યકારી અધિકારી રહી ચૂક્યા છે. આ કંપનીનો કારોબાર વિશ્વના અનેક દેશમાં ફેલાયેલો છે. તેમાં એવા દેશ પણ સામેલ છે જેમની સાથે હવે અમેરિકાના સંબંધો સારા રહ્યા નથી. તેમાંનો એક દેશ રશિયા પણ છે, જે ઓઇલ માટેની ટેક્નોલોજી અંગે પશ્વિમના દેશો પર નિર્ભર રહે છે.
વ્હાઇટ હાઉસની બહાર પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે અમારા બંને વચ્ચેના વૈચારિક મતભેદોના કારણે તેમને બરતરફ કરવામાં આવ્યા છે. ટ્રમ્પે કહ્યું, ‘અમે ખરેખર સાથે રહીને સારું કામ કરી રહ્યા હતા પરંતુ કેટલીક બાબતો પર અમારી વચ્ચે મતભેદો હતા. ઈરાનની ડિલમાં અમારા વચ્ચે થોડા મતભેદો હતા. આ મામલે અમારા બંનેના વિચારો જુદા જુદા હતા.’
ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે માઇક પોમ્પિયો સાથે મારા વિચારો મળતા આવે છે. મને લાગે છે કે અમે સારી રીતે સાથે કામ કરી શકીશું. રેક્સ ખૂબ સારા માણસ છે અને હું તેમને ખૂબ જ પસંદ કરું છું.