જેરુસલેમઃ ડ્રોનથી આસમાનમાં ઉડાન ભરવાની કલ્પના હવે હકીકત બની છે. ઇઝરાયલમાં ડ્રોન ફ્લાઇંગ ટેક્સીનું પરીક્ષણ સફળ રહ્યું છે. AIR ZERO નામની આ ડ્રોન ટેક્સીમાં બે લોકોએ 30 કિમી સુધી ઉડાન ભરી. આ ફ્લાઇંગ ટેક્સી બે વ્યક્તિ સાથે 160 કિમી સુધી ઉડાન ભરી શકે છે. આ ફ્લાઇંગ ટેક્સીમાં વધારાનું 220 કિલો વજન પણ હતું. હવે આ ડ્રોન ટેક્સીનું કોમર્શિયલ પ્રોડક્શન ટૂંક સમયમાં શરૂ કરાશે.
રસ્તા પર ટ્રાફિકનું ભારણ ઘટાડવાના ઉદ્દેશ સાથેના એક મહત્ત્વપૂર્ણ પગલામાં ઇઝરાયલે માનવ પરિવહન તથા માલસામાનની હેરફેર માટે ડિઝાઇન કરાયેલા ડ્રોનનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પ્રકારના ડ્રોનની આ પહેલી ઉડાન હતી. પ્રોજેક્ટ અંતર્ગત તાજેતરમાં 11 ડ્રોન ટેક્સીની રણ અને ખીણોથી માંડીને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ઉડાન ભરવામાં આવી હતી.