જેદ્દાહઃ ઈરાને અમેરિકાનું રૂ. ૧૨૬૦ કરોડનું ડ્રોન તોડી પાડ્યા પછી ૨૧મીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સામે યુદ્ધ જાહેર કરવાની ચીમકી આપી અને લશ્કર તૈનાત કરાવ્યું હતું. જોકે બીજે દિવસે તેમણે યુદ્ધની સ્થિતિનો ઈનકાર કર્યો હતો. જોકે એ પછી ઈરાન વિરુદ્ધ અમેરિકાએ વધુ આકરા પ્રતિબંધો નાખવાનો આદેશ આપ્યો છે. આ આદેશમાં ખાડીની વર્તમાન અસ્થિરતા માટે ઇરાનના સર્વોચ્ચ નેતા આયતોલ્લાહ ખેમાનીને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.
ટ્રમ્પે વધુમાં જણાવ્યું છે કે અમે તેહરાન પર દબાણ વધારવાનું ચાલુ રાખીશું. આ પ્રતિબંધો કેટલા સમય સુધી ચાલુ રહેશે તેનો આધાર ઇરાનના વલણ પર રહેશે. ઇરાન સાથે ચાલી રહેલી તંગદિલી વચ્ચે અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓ આજે સાઉદી અરેબિયાના શાસકોને મળ્યા હતાં. ઇરાને અમેરિકાનું ડ્રોન તોડી પાડયા પછી પોમ્પિઓમાં જેદ્દાહમાં કિંગ સલમાનને તેમના મહેલમાં મળ્યા હતાં.
કિંગ સલમાને પોમ્પિઓને જણાવ્યું હતું કે તમે અમારા મિત્ર છો. કિંગ સલમાનને મળ્યા પછી પોમ્પિઓ યુએઇ જવા રવાના થયા હતાં. ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયા અને યુનાઇટેડ અરબ અમિરાત બંને ઇરાન વિરુદ્ધના અમેરિકાના કડક વલણને સમર્થન આપી રહ્યાં છે.
ભારતે ઈરાની એરસ્પેસનો ઉપયોગ બંધ કર્યો
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલી તંગદિલીની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. ઈરાની હવાઈ સીમા પરથી પસાર થવું ખતરો હોવાથી ભારતે તેના વિમાનોને ઈરાની હવાઈ ક્ષેત્રમાંથી ઉડાવવાનું બંધ કરી દીધું છે. ડીજીસીએની સાથે વિચાર વિમર્શ કર્યા બાદ તમામ ભારતીય એરલાઇન્સે ઈરાની એરસ્પેસમાં ન જવાનો નિર્ણય કર્યો છે. એર ઈન્ડિયાના સીએમડી અશ્વિની લોહાણીએ કહ્યું કે આગળની ફ્લાઇટ્સ માટે વૈકલ્પિક રસ્તાઓની વિચારણા ચાલી રહી છે. ઘણી એરલાઇન્સ પણ ઈરાની એરસ્પેસનો ઉપયોગ ન કરવાની જાહેરાત કરી ચૂકી છે. ડીજીસીએ દ્વારા નિવેદનમાં કહેવાયું કે પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય એરલાઇન્સે ઈરાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે.