ઢાકામાં ISIS દ્વારા આતંકવાદી હુમલો: કુરાનની આયત ન બોલી શક્યા તો ગળા કાપ્યા, ભારતીય યુવતી સહિત ૨૦નાં મોત

Tuesday 05th July 2016 15:03 EDT
 
 

ઢાકાઃ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ડિપ્લોમેટિક ઝોનમાં આવેલી રેસ્ટોરાંમાં પહેલી જુલાઈએ મોડી રાત્રે આતંકવાદીઓના હુમલા પછી બાંગ્લાદેશ પોલીસ અને સૈન્યએ ૧૨ કલાકના ઓપરેશન બાદ આતંકીઓનો ખાતમો બોલાવ્યો હતો. ૧૦૦ કમાન્ડોએ હાથ ધરેલા આ ઓપરેશનમાં પોલીસનાં બે જવાનો શહીદ થયા હતા. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં વિદેશીઓને બંધક બનાવી મોતને ઘાટ ઉતારવાની પહેલવહેલી ઘટના છે.
ધનાઢ્ય પરિવારના આતંકવાદીઓ
માર્યા ગયેલા ૬ આતંકીઓ ધનાઢય અને નામાંકિત પરિવારોનાં ફરજંદો હોવાનું મનાય છે. એક આતંકી અને શ્રદ્ધા કપૂરનો ફેન નિબ્રસ ઇસ્લામ શ્રદ્ધાને મળી પણ ચૂક્યો હતો. સોશિયલ મીડિયા પર તેના ફોટા અને પોસ્ટ પરથી તે ખુશમિજાજ વ્યક્તિ હતો તેવું જાણવા મળે છે. અન્ય એક આતંકી બાંગ્લાદેશનાં વડા પ્રધાન શેખ હસીનાની પાર્ટી આવામી લિગના નેતા એસ. એમ. ઇમ્તિયાઝનો દીકરો હતો. ઇમ્તિયાઝ ઢાકા સિટી ચેપ્ટરના સભ્ય અને બાંગ્લાદેશ ઓલિમ્પિક એસોસિયેશનના ડેપ્યુટી સેક્રેટરી છે. ઇમ્તિયાઝે ૪ જાન્યુઆરીના રોજ રોહન ગાયબ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. અન્ય એક આતંકી શમીમ મબાશિર બાંગ્લાદેશની ટોચની શાળા સ્કૂલોસ્ટિકાનો પાસઆઉટ હતો. ખાસ વાત એ છે કે રોહન પણ આ જ શાળામાં ભણતો હતો.
બાંગ્લાદેશ આર્મીએ જણાવ્યા પ્રમાણે, ૯ જેટલા આતંકીઓએ આ હુમલો કર્યો હતો. જે ૧૮ લોકો આયાત બોલી શક્યા તેમને છોડાયા બાકીના ૨૦ની ક્રૂરતાથી હત્યા કરી હતી. ૨૦ મૃતકોમાં ભારતની ૧૯ વર્ષની વિદ્યાર્થિની તારિષી જૈન પણ હતી. મૃતકોમાં બાંગ્લાદેશી સહિત ઇટાલી અને જાપાનનાં નાગરિક પણ હતા.
નવાઈની વાત એ છે કે બાંગ્લાદેશની આર્મી મૃતકોની જાણકારી આપે તે પહેલાં જ ISISએ ૨૦ લોકોને માર્યા હોવાના દાવો કર્યો હતો.
તારિષીનું છેલ્લું દુન્યવી વેકેશન
ભારતીય તારિષી રજા ગાળવા બાંગ્લાદેશ ગઈ હતી. રોજા છૂટ્યા પછી ઇફતારી માટે તે મિત્રો સાથે રેસ્ટોરાંમાં ગઈ હતી. તેણે હાલમાં જ કેલિફોર્નિયાની બર્કલે યુનિ.માં એડમિશન લીધું હતું. તારિષીના મિત્રો તેને મોબાઈલ પર ફોન કરતા હતા, પણ કોઈ જવાબ મળ્યો નહોતો. ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને કહ્યું કે, તારિષીની આતંકીઓએ હત્યા કરી છે અને તેમણે તેના પિતા સંજીવ જૈન સાથે વાત કરી હતી.
જીવનના અંત સુધી સાથ નિભાવતો મિત્ર
રેસ્ટોરાં પર હુમલો થયો ત્યારે તારિષી મિત્ર ફરાઝ હુસૈન સાથે હતી. આતંકીઓએ ફરાઝ મુસ્લિમ હોવાથી તેને જવા કહ્યું હતું, પરંતુ તેણે તારિષીનો સાથ ન છોડયો અને આતંકીઓએ તેને પણ રહેંસી નાંખ્યો હતો. બીજી તરફ ભારતીય સુરક્ષા મંત્રાલયને જાણવા મળ્યું છે કે આ હુમલામાં એક જ ભારતીયનું મૃત્યુ થયાથી આતંકીઓ નારાજ છે અને બાંગ્લાદેશમાં વધુ ભારતીયો આંતકીઓને નિશાને છે. તેથી ભારતે ત્યાં વસી રહેલાં ભારતીયોની સુરક્ષા માટે કમાન્ડો મોકલવાનો નિર્ણય લીધો છે.
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ હુમલા પછી આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આ કેવા મુસલમાન છે જે રમઝાનના પાક મહિનામાં નિર્દોષ લોકોનો જીવન લઈ રહ્યા છે? ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શેખ હસીના સાથે બીજી જુલાઈએ ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર ઘટના માટે દુઃખ વ્યક્ત કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter