ઢાકાઃ બાંગ્લાદેશના પાટનગર ઢાકાના ઔદ્યૌગિક વિસ્તારમાં એક પેકેજિંગ કારખાનાના બોઇલરમાં ૧૦મીએ વિસ્ફોટ બાદ લાગેલી ભીષણ આગમાં ૨૧ લોકો જીવતા ભુંજાયા હતા અને ૫૦થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. ગાઝીપુરના ઇમરજન્સી અને નાગરિક સુરક્ષાના ઉપસહાયક નિર્દેશક અખ્તર રૂઝઝમાએ જણાવ્યું હતું કે, ટોગીના બિસિક ઔદ્યૌગિક વિસ્તારમાં વહેલી સવારે ૬.૧૫ કલાકે ચાર માળની ટેમ્પકો પેકેજિંગ ફેક્ટરીના બોઇલરમાં વિસ્ફોટને કારણે આગ લાગી હતી. ફાયરબ્રિગેડના ઘણા પ્રયાસો છતાં આગ ફેલાવાને કારણે ઇમારતનો એક ભાગ ધસી પડયો હતો. આ ઘટનામાં તપાસના આદેશ અપાયા છે.
હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું હતું કે, ૨૧ લોકોના મોત થયા હતા જ્યારે અન્ય ૫૦ ઘવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટોગી હોસ્પિટલમાં ૧૫, ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ચાર અને આધુનિક મેડિકલ કોલેજ હોસ્પિટલમાં બે મૃતદેહો છે. ઘટનામાં ૨૧માંથી ૧૩ મૃતદેહોની ઓળખ થઇ હતી.