ટોક્યોઃ દુનિયામાં જાપાન તેની વિશિષ્ટ સંસ્કૃતિ માટે જાણીતું છે તો જાપાનમાં નગોરો ગામ તેની આગવી વિશેષતા માટે જાણીતું છે. આ ગામમાં માત્ર ૨૭ લોકો રહે છે. એક સમયે અહીં ૩૦૦ લોકો વસતા હતા પરંતુ ગામ ધીમે ધીમે ખાલી થઈ ગયું છે. સૂના - ખાલી પડેલાં મકાન એ વાતની યાદ અપાવે છે કે એક સમયે આ વિસ્તાર લોકોની ચહલપહલથી ધબકતો હતો. આજે ગામમાં વસતાં ગણ્યાંગાંઠ્યા વડીલો સાવ એકલા પડી ગયા છે. એકલતાના ઉપાય તરીકે ગામ છોડી ગયેલા લોકોને તો તેઓ પાછા બોલાવી શકે તેમ નથી, પરંતુ એકલાઅટૂલા રહેતા આ બુઝુર્ગોએ તેમની સમસ્યાનો ઉકેલ શોધી લીધો છે. તેઓ ઢીંગલીઓ બનાવીને જિંદગનો આનંદ માણતા શીખી ગયા છે. વીતી ગયેલા સમયના માણસોનું સ્થાન નાની-મોટી ગોઠવાયેલી ઢીંગલીઓએ લીધું છે.
જાપાનીઝ ભાષામાં ઢીંગલીઓને બિજુકા કહેવામાં આવે છે. આ બિજુકા ઘરના આંગણામાં, રસ્તાઓ અને ખેતરોમાં જોવા મળે છે. કેટલાકે પોતાના પરિવારમાંથી ગામ છોડીને જતા રહેલા લોકોના નામ સાથે બિજુકા ગોઠવી છે. તો અમુક વડીલો ઢીંગલીઓ જાણે કે જીવંત હોય તેમ વાતો પણ કરતા રહે છે. એક માણસના નામે ૧૦ જેટલી ઢીંગલીઓ પ્રતિકૃતિ સ્વરૂપે મુકવામાં આવી છે.
આ ગામમાં એક પણ સ્કૂલ હતી જે વર્ષ ૨૦૧૨માં બાળકોના અભાવે બંધ થઈ ગઈ છે. આ ખાલી થઈ ગયેલી સ્કૂલમાં અનેક બિજુકા બનાવીને રાખવામાં આવી છે. આથી આખી સ્કૂલના ક્લાસ ભરાયેલા હોય તેવા લાગે છે. છેલ્લે સ્કૂલનો અભ્યાસ છોડીને જતા રહેલા બે વિદ્યાર્થીઓની આબેહૂબ પ્રતિકૃતિ બનાવાઈ છે, એટલું જ નહીં શિક્ષિકા જેવી ઢીંગલી પણ બનાવી છે. ટેલિફોનના થાંભલા નીચે જાણે કે વાતો કરતી હોય તેવી ઢીંગલીઓ અને નદીકિનારે માછલી પકડતી ઢીંગલીઓ તો સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે.
ગામમાં કેટલાક પ્રવાસીઓ કુતુહલવશ આ ઢીંગલીઓ જોવા આવે છે. જોકે કેટલીક ઢીંગલીઓ દેખાવમાં ડર લાગે તેવી પણ છે. આથી જ તો જેને ડર લાગતો હોય એમને આ ગામમાં આવવું નહીં એવી સૂચના આપવામાં આવી છે.
નરોગો ગામને ઢીંગલીઓનું નગર બનાવતા દોઢ દસકા કરતાં પણ વધુ સમય લાગી ગયો છે. ગામમાં રહેતાં સુકિમી નામનાં મહિલા બિજુકા બનાવવા માટે અખબાર, પ્લાસ્ટિક અને કપડાંનો ઉપયોગ કરે છે. માણસ જેવી પ્રતિકૃતિ બને તે માટે હોઠ પર ગુલાબી રંગ લગાવે છે. ગાલ પર મેકઅપ કરે છે અને કપડાં પણ પહેરાવે છે.
જાપાનને હંમેશા ભવિષ્યનું વિચારતા દેશ તરીકે ઓળખવામાં આવે છે. જાપાનમાં શહેરીકરણ વધતું જાય છે. નગોરો ગામ તો એક માત્ર ઉદાહરણ છે. બાકી અનેક ગામો ખાલી થઈ ગયાં છે. યુવા પેઢી લગ્ન કરીને પરિવાર વસાવવાના પડકારોથી દૂર ભાગી રહી છે. કાં તો તેઓ લગ્ન ખૂબ મોડા કરે છે અથવા તો અપરિણીત રહેવાનું પસંદ કરે છે. વર્કોહોલિક કલ્ચર જાપાનની ખૂબ મોટી સમસ્યા હોવાથી યુવાપેઢી ખતમ થઈ રહી છે. એકલાઅટૂલા રહી ગયેલા વડીલોને એકલતાની પીડા સતાવી રહી છે. નગોરો ગામના લોકોએ એકલતાની પીડા દૂર કરવાનો ઉપાય ઢીંગલીઓમાં શોધ્યો છે.
નગોરો ગામમાં સૌથી નાની વયની વ્યક્તિ ૫૫ વર્ષની છે. આ ગામ પહેલાં કેટલું ધમધમતું અને જીવંત હતું તેની યાદ અપાવવા માટે નવી ઢીંગલીઓ એટલે કે બિજુકાનું નિર્માણ કરવામાં આવ્યું છે. નગોરો ગામને ૧૯૬૧માં હાઈડલ પાવર પ્રોજેક્ટના કારણે વસાવવામાં આવ્યું હતું. અહીં સાકાર થયેલા નગોરો ડેમ પરથી જ ગામનું નામ ‘નગોરો’ પડ્યું છે.