તબીબી ચમત્કારઃ બ્રેઇન ડેડ વ્યક્તિનાં શરીરમાં ડુક્કરની કિડનીએ બે મહિના કામ કર્યું

Sunday 24th September 2023 06:08 EDT
 
 

ન્યૂ યોર્કઃ મેડિકલ ક્ષેત્રે સતત નીતનવા સંશોધન અને પ્રયોગો ચાલતા રહે છે. આવું જ કંઇક ન્યૂ યોર્કની એક હોસ્પિટલમાં થયું છે. એક બ્રેઇન ડેડ વ્યક્તિના શરીરમાં બે મહિના સુધી ડુક્કરની કિડનીએ સામાન્ય રીતે કાર્ય કર્યું છે. આ સફળતાને ચમત્કાર સમાન ગણાવતા તબીબી નિષ્ણાતો કહે છે કે આનાથી મનુષ્યોમાં પ્રાણીઓના વિવિધ અંગોના ટ્રાન્સપ્લાન્ટની આશા વધી છે.
એનવાયયુ લેંન્ગોન હેલ્થ ખાતે આ નવતર પ્રયોગ 13 સપ્ટેમ્બરે પૂરો થયો હતો. જેમાં મોરિસ ‘મો’ મિલરના દાનમાં અપાયેલા શરીરમાં બે મહિના સુધી ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઇ હતી અને તેણે સામાન્ય રીતે કામ કર્યું હતું. 13 સપ્ટેમ્બરે આ પ્રયોગ પૂર્ણ થતાં મિલરના શરીરમાંથી કિડની કાઢીને શરીરને અંતિમવિધી માટે પરિવારજનોને સોંપાયું હતું. આ સાથે ડુક્કરની જિનેટિકલી મોડિફાઇડ કિડનીએ સૌથી લાંબો સમય મનુષ્યના શરીરની અંદર કામ કરવાનો વિક્રમ નોંધાવ્યો છે. તબીબી ક્ષેત્રના આ પ્રયોગમાંથી મળેલા વિવિધ તારણોને હવે વૈજ્ઞાનિકો ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ને સુપરત કરશે.
આગામી સમયમાં મનુષ્યમાં ડુક્કરની કિડનીના પરીક્ષણની મંજૂરી મળવાની આશા છે. પ્રયોગનું નેતૃત્વ કરનારા ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. મોન્ટગોમરીએ જણાવ્યું હતું કે, ‘આ રોમાંચકતા અને રાહતનો સમન્વય હતો. બે મહિના સુધી ડુક્કરની કિડની આટલી સારી સ્થિતિમાં રહી એ ઘણું સારું કહેવાય. આ બાબત ઘણો વિશ્વાસ આપે છે.’
અમેરિકામાં માનવ અંગોની અછતને હળવી કરવા માટે પ્રાણીઓના અંગોના મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટને ચાવીરૂપ ગણાય છે. અમેરિકામાં એક લાખ લોકો અંગોના ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે. જેમાં મોટા ભાગનાને કિડનીની જરૂર છે. અગાઉ પણ આવા પ્રયોગ થઈ ચૂક્યા છે અને નિષ્ફળ રહ્યા છે, કારણ કે મનુષ્યની ઇમ્યુન સિસ્ટમ બહારથી પ્રવેશેલા પ્રાણીના અંગનો નાશ કરી નાખે છે. જોકે, ડુક્કરની જિનેટિકલી મોડિફાઇડ કિડની મનુષ્ય જેવી હોવાથી શરીરમાં લાંબો સમય કામ કરી શકી છે. ડુક્કરની કિડની કેવી રીતે કામ કરે છે એ જોવા મોન્ટગોમરીએ મિલરનું શરીર બે મહિના સુધી વેન્ટિલેટર પર રાખ્યું હતું. જેનું પરિણામ આશાસ્પદ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter