લંડનઃ બ્રિટનમાં ૩૫ લાખથી વધુ ઈયુ નાગરિક વસવાટ કરે છે. આ તમામને બ્રિટનમાં રહેવાની પરવાનગી આપી દેવાશે કારણકે ૨૦૧૯ના આરંભે બ્રિટન ઈયુ છોડશે ત્યાં સુધીમાં તેમાંના ૮૦ ટકાથી વધુ તો દેશમાં કાયમી વસવાટના અધિકારો મેળવી લેશે.
વડા પ્રધાન થેરેસા મેએ અગાઉ હાલ યુકેમાં રહેતા ઈયુ નાગરિકોના અધિકારો વિશે ગેરન્ટી આપવા ઈનકાર કર્યો હતો. જોકે, હોમ ઓફિસને જણાયું હતું કે છમાંથી પાંચ ઈયુ માઈગ્રન્ટને કાયદેસર દેશનિકાલ કરી શકાય તેમ નથી. બ્રિટન ૨૦૧૯ના આરંભ સુધીમાં ઈયુમાંથી બહાર નીકળે ત્યાં સુધીમાં ૮૦ ટકાથી વધુ ઈયુ નાગરિકોને વસવાટના કાયમી અધિકારો મળી જશે. આથી, બ્રેક્ઝિટ પછી બાકીના એટલે કે ૬૦૦,૦૦૦થી વધુ ઈયુ માઈગ્રન્ટને પણ બ્રિટનમાં રહેવાની કાયદેસર છૂટ આપી દેવાય તેવી શક્યતા છે.
કેબિનેટના એક સૂત્રે જણાવ્યું હતું કે,‘તેમને બ્રિટનમાં રહેવાની પરવાનગી આપી દેવાશે, પરંતુ ઈયુમાં વસતા બ્રિટિશ નાગરિકોને આ જ પ્રકારે વસવાટના અધિકાર આપવાની સમજૂતીઓ કરાય તે પણ મહત્ત્વનું છે.