ટોકિયોઃ વજનમાં ભારેખમ અને એક જ જગ્યાએ ફિક્સ જોવા મળતા એર કંડીશનર હવે ભૂતકાળ બની જાય તો નવાઇ નહીં. ભારત હોય કે બ્રિટન, આજકાલ ગ્લોબલ વોર્મિંગના કારણે ઉષ્ણતામાનનો પારો એટલો ઊંચે જઇ રહ્યો છે કે લોકોને એસીથી ઠંડાગાર થયેલા રૂમમાંથી બહાર નીકળવાનું ગમતું નથી, અને એસીને સાથે લઈને ફરવાનું તો શક્ય જ નથી. એ સંજોગોમાં દરેક વ્યક્તિને કોઇને કોઇ સમયે તો એવો વિચાર આવી જ જાય છે કે કાશ, એસીને સાથે લઇને ફરી શકાતું હોત તો?! અત્યાર સુધી આવું ભલે અશક્ય મનાતું હોય, પરંતુ હવે એ દિવસો દૂર નથી કે તમે એસીને સાથે લઇને હરીફરી શકો. જાપાનની એક કંપનીએ આ કામ કરી દેખાડ્યું છે.
જાપાનની કંપનીએ મોબાઈલથી પણ નાનું એરકન્ડિશર તૈયાર કર્યું છે. જેનું નામ રીઓન પોકેટ રાખ્યું છે. આ એસીની વિશેષતા એ છે કે તે કોઈ પણ કપડામાં ફિટ કરી શકાય એવું છે. ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ દૈનિકે પોસ્ટ કરેલા વીડિયો મુજબ જાપાની કંપનીએ ખરા અર્થમાં ‘પહેરી શકાય એવું’ એસી વિકસાવ્યું છે. કંપનીનો દાવો છે કે આ એસીને પેલ્ટિયર એલિમેન્ટથી તૈયાર કરાયું છે, જે ઝડપથી ઠંડું પણ થાય છે અને ગરમ પણ થાય છે. યાદ રહે કે પેલ્ટિયમ એલિમેન્ટનો ઉપયોગ કારકૂલર માટે થાય છે. આ મોબાઈલ કરતાં નાનું એસી અત્યારે તો ખાસ અંડર શર્ટ સાથે જ વેચાય છે.
જાપાનીઝ બનાવટના આ રીઓન પોકેટ એસીની કિંમત ૧૪૦૮૦ યેન એટલે કે લગભગ ૧૦૬ પાઉન્ડ છે. આ એસીમાં ઠંડી હવા આપવા માટે એક પેનલ છે, જેને સ્મોલ (S), મિડિયમ (M) અને લાર્જ (L) સાઇઝના વસ્ત્રોમાં ફિટ કરી શકાય છે. વળી, તે બ્લૂ ટૂથ ૫.૦ સપોર્ટેડ હોવાથી વ્યક્તિ તેના ટેમ્પરેચરને પોતાના સ્માર્ટફોન વડે કન્ટ્રોલ કરી શકશે. બેટરી વડે ચાલતા આ પોકેટ એસીનું બેટરી બેકઅપ ૯૦ મિનિટનું છે. અને આ બેટરીને ફુલ ચાર્જ કરવામાં બે કલાકનો સમય લાગે છે.
હાલમાં તો ફક્ત જાપાનના બજારમાં જ મળનારા આ એસીને એટલો પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે કે બે જ દિવસમાં તેણે પ્રોજેક્ટ માટે બે લાખ ડોલરનું જંગી ભંડોળ એકત્ર કરી લીધું છે. લોકો પણ ઇચ્છે છે કે આ ડ્રીમ પ્રોજેક્ટ વાસ્તવિકરૂપ ધારણ કરે અને આ એસી વહેલામાં વહેલી તકે બજારમાં મળતું થઈ જાય છે.