નવી દલ્હીઃ અફઘાન તાલિબાને તેમના ૧૧ સાથીદારોના બદલામાં ત્રણ ભારતીય એન્જિનિયરોને મુક્ત કરી દીધા હોવાના અહેવાલ સોમવારે આવ્યા છે. અહેવાલો પ્રમાણે ૬ ઓક્ટોબરે અજ્ઞાત જગ્યાએ ભારતીયોને મુક્ત કરાયા હતા. અધિકારીઓએ કહ્યું છે કે, અમેરિકા અને તાલિબાન વચ્ચે ભારતીયોની મુક્તિને લઈને વાત થઈ હતી. ત્યાર પછી ભારતીયોના બદલામાં તાલિબાન નેતાઓને છોડવાની માગ પૂરી કરતા શેખ અબ્દુલ રહીમ અને મૌલવી અબ્દુલ રશીદ સહિત અન્ય લોકોને મુક્ત કરી દેવાયા છે. તે બંને અફઘાનિસ્તાનમાં બે દસકા પહેલા તાલિબાન શાસનમાં કુનાર અને નિમરોઝ પ્રાંતના ગવર્નર રહી ચૂક્યા છે. આ મુદ્દે અફઘાન સરકારે કોઈ પ્રતિક્રિયા આપી નથી.