બૈજિંગઃ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ વ્હાઇટ હાઉસમાં દલાઈ લામા સાથે બેઠક યોજતાં ચીને ઓબામાની આલોચના કરી છે. ચીન ઉશ્કેરાય નહીં તે કારણસર બેઠક ઓફ ધ કેમેરા અને બંધબારણે રાખવામાં આવી હોવા છતાં ચીને આલોચના કરવાનું ટાળ્યું નથી. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકાએ તિબેટને ચીનનો હિસ્સો હોવાની વાતને માન્યતા આપવાનું અને તિબેટની સ્વાધીનતા કે ભાગલાવાદી પ્રવૃત્તિને સમર્થન નહીં આપવાનું વચન આપ્યું છે. આ પ્રકારની બેઠક ચીન-અમેરિકી સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે.
પ્રમુખપદ સંભાળ્યા પછી બરાક ઓબામા દલાઈ લામાને ચાર વાર મળી ચૂક્યા છે. ચીન ઉશ્કેરાય નહીં તે કારણસર બેઠક બંધબારણે યોજાઇ હતી. બે વાર નોબેલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરી ચૂકેલા દલાઈ લામા સાથેની ગુરુવારની બેઠક વેળા મીડિયાને પણ નિમંત્રણ નહોતું અપાયું. પ્રાપ્ત માહિતી અનુસાર, દલાઈ લામાએ એક આશ્ચર્યજનક નિવેદનમાં ઓબામાને જણાવ્યું હતું કે તેઓ ચીન પાસેથી તિબેટની મુક્તિ નથી ઇચ્છતા અને બંને દેશો વચ્ચેની મંત્રણા જલ્દી ફરી શરૂ થઈ જાય તેવી તેઓ કામના કરે છે.
બેઠક પછી અમેરિકાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રમુખ ઓબામા દલાઈ લામા કે તેમના પ્રતિનિધિઓ અને ચીન વચ્ચે અર્થપૂર્ણ સંવાદ થાય અને તંગદિલી ઘટે તે રીતે પ્રશ્નનું સમાધાન શોધવાનો પ્રયાસ થાય તે બાબતને સમર્થન આપી રહ્યા છે.
તિબેટવાસીઓ દલાઈ લામાને ધર્મગુરુ માને છે, પરંતુ ચીન તેમને ખતરનાક ભાગલાવાદી કહી રહ્યો છે. ઓબામા દલાઈ લામાને સારા મિત્ર ગણાવે છે. દલાઈ લામાનાં વખાણ કરતાં ઓબામા કહે છે કે કરુણા અને દયાનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. આ ધાર્મિક નેતા ૧૯૫૯થી ભારતના ધર્મશાલા ખાતે દેશવટો ભોગવી રહ્યા છે.