અંકારાઃ તુર્કીની ધરતીના પેટાળમાંથી ૯૯ ટન સોનાનો ભંડાર મળ્યો છે. આ સોનું ઘણા દેશોના જીડીપી કરતાં પણ વધારે હોવાનું નિષ્ણાતો કહે છે. આટલા મોટા પાયે સુવર્ણ ભંડાર મળવાથી આખી દુનિયામાં હવે તેની કિંમતનો અંદાજો લગાવાનું શરૂ થઇ ગયું છે. તુર્કીના મધ્ય-પશ્ચિમના સોગુટની ધરતીમાં આ સુવર્ણ ભંડાર જોવા મળ્યો છે.
પ્રાથમિક અંદાજ છે કે તેની કિંમત ૬૦૦ કરોડ ડોલર અથવા ૪૪,૦૦૦ કરોડ રૂપિયા હોઈ શકે છે. સોનાનો આટલો વિશાળ જથ્થો મળ્યાના સમાચાર આવતાંની સાથે જ તુર્કીના સ્ટોક એક્સચેંજના શેર્સમાં તીવ્ર ઉછાળો નોંધાયો હતો. ધરતીના પેટાળમાંથી કાચું સોનું બહાર કાઢીને તેના પ્રોસેસિંગમાં અંદાજે બે વર્ષનો સમય લાગી જશે. આ જથ્થો તુર્કીની અર્થવ્યવસ્થામાં સુધારો કરશે તેવું અર્થશાસ્ત્રીઓનું કહેવું છે.
ઉલ્લેખનીય છે કે વર્લ્ડોમીટર અનુસાર માલદીવનો જીડીપી ૪૮૭ કરોડ ડોલર છે, જ્યારે બુરુન્ડીની જીડીપી ૩૧૭ કરોડ ડોલર છે. લાઇબેરિયાની જીડીપી ૩૨૯ કરોડ ડોલર, ભૂટાનની જીડીપી ૨૫૩ કરોડ ડોલર અને લેસોથોની જીડીપી ૨૫૮ કરોડ ડોલર છે. આ સિવાય બાર્બાડોસ, ગયાના, મોન્ટેનેગ્રો અને મૌરિટાનિયાની ઇકોનોમી પણ ૬૦૦ કરોડ ડોલર કરતા ઓછી છે.