અંકારાઃ રશિયા અને યૂક્રેન વચ્ચે ભીષણ જંગ શરૂ થયાને મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે, શાંતિના કોઇ અણસાર જણાતા નથી. યુદ્ધવિરામ સંદર્ભે ચર્ચા કરવા તુર્કીમાં યોજાયેલી રશિયા-યુક્રેન ડેલિગેશનની મીટિંગ અનિર્ણિત રહી છે. રશિયાના ડેલિગેશને આ મીટિંગને સકારાત્મક ગણાવી છે, પરંતુ હકીકત એ છે કે હજુ બંને પક્ષો વચ્ચે સીઝફાયર પર સહમતી બની નથી.
બીજી તરફ, મીટિંગ પછી રશિયન ડેલિગેશનના એક સભ્યે દાવો કર્યો કે ટૂંક સમયમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીની તુર્કીમાં મુલાકાત થઈ શકે છે.
બ્રિટનની રશિયાને ઓફર
બ્રિટન તરફથી રશિયાને એક ઓફર કરવામાં આવી છે. બ્રિટનના વિદેશમંત્રી લિઝ ટ્રુસે કહ્યું હતું કે જો રશિયા યુદ્ધનો અંત લાવે અને યુક્રેનમાંથી પોતાની સેનાને પરત બોલાવી લેશે, તો બ્રિટન રશિયા અને તેની કંપનીઓ પરના પ્રતિબંધો હટાવી લેશે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ 34 દિવસ બાદ પણ ચાલી રહ્યું છે. રશિયન સેના સતત યૂક્રેનના શહેરોમાં મિસાઈલોથી એટેક કરી રહી છે. રહેણાક વિસ્તારોને નિશાન બનાવાઈ રહ્યા છે. મારિયુપોલ શહેરમાં સૌથી વધુ તબાહી જોવા મળી છે. આ શહેર 90 ટકા ખંડેરમાં તબદિલ થઈ ચૂક્યું છે. મારિયુપોલના મેયરે કહ્યું-હુમલા પછી અત્યાર સુધી લગભગ 5000 લોકો માર્યા ગયા છે. શહેરમાં હજુ પણ 1.6 લાખ ફસાયેલા છે. રશિયન સેનાએ શહેરથી બહાર નીકળવાના તમામ માર્ગો પર કબજો કર્યો છે.
મારિયુપોલમાં ચોમેર બરબાદી
મારિયુપોલમાં ચોતરફ બરબાદીનો માહોલ છે. અહીં લોકો વીજળી, પાણી માટે તરસી રહ્યા છે.
દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે તેઓ પુતિનને સત્તામાંથી હટાવવાના તેમના નિવેદન માટે માફી નહીં માગે. જોકે બાઈડને કહ્યું હતું કે હું નીતિ પરિવર્તનની વાત કરી રહ્યો છું. મેં જે અનુભવ્યું એ કહ્યું અને હું તેના માટે માફી માગીશ નહીં.
યુક્રેન પર સાયબર-એટેક
રશિયા-યૂક્રેન યુદ્ધને એક મહિનાથી વધુ સમય થયો. આ યુદ્ધ બંધ થવાના હજુ કોઈ આસાર જણાતા નથી, ત્યારે યુક્રેન પર ફરી એક વાર સાયબર-એટેક થયો છે. આ અંગે યૂક્રેને આશંકા વ્યક્ત કરી છે કે જે લોકોએ ટેલિકોમ પ્રોવાઈડર કંપની પર સાયબર-એટેક કર્યો છે એ લોકો રશિયન સંદર્ભ ધરાવે છે. યૂક્રેનની કદાવર અને અગ્રણી ઈન્ટરનેટ અને ફોનલાઈન પ્રોવાઈડર કંપની યુક્રટેલિકોમ સાયબર-એટેકનો ભોગ બની હતી.