નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે વર્ષ 2025 સુધીમાં ભારતની ડિજિટલ ઇકોનોમી 1 લાખ કરોડ ડોલર (રૂ. 78 લાખ કરોડ)ની થશે. દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે 1.5 લાખ કરોડ ડોલર (રૂ. 117 લાખ કરોડ)ના રોકાણની તક છે.
પાંચ દેશો - બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, સાઉથ આફ્રિકાના બનેલા સંગઠન ‘બ્રિક્સ’ની શિખર બેઠકની પૂર્વસંધ્યાએ 22 જૂનના રોજ બિઝનેસ ફોરમને સંબોધતા વડા પ્રધાને આ દાવો કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ભારતમાં જે પ્રકારે ડિજિટલ રૂપાંતરણ થઇ રહ્યું છે તેવું દુનિયામાં આ પૂર્વે ક્યારેય નથી જોવા મળ્યું. તેમાં વ્યાપક સ્તરે સુધારો પણ કરાઇ રહ્યો છે. મોદીએ કહ્યું હતું કે ન્યૂ ઇન્ડિયામાં દરેક સેક્ટરમાં મૂળભૂત ફેરફાર થઇ રહ્યા છે. દેશની આર્થિક બહાલીનો મુખ્ય સ્તંભ ટેક્નોલોજી દ્વારા વિકાસ છે. ભારત દરેક સેક્ટરમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપી રહ્યું છે.
આ પૂર્વે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે યુક્રેન પર હુમલાથી માંડીને રશિયા પર અમેરિકા અને યુરોપના પ્રતિબંધોની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે યુક્રેનના મુદ્દાએ માનવતા માટે સંકટ ઊભું કરી દીધું છે. આ પ્રતિબંધોથી દુનિયાભરમાં લોકોને નુકસાન થયું છે. ઇતિહાસ દર્શાવે છે કે જૂથબાજીથી શાંતિ, સ્થિરતા નથી આવતી, પણ ઘર્ષણ વધે છે.