ત્રણ સૈન્ય અને ઉત્તર ભારતના ૧૨થી વધુ એરપોર્ટ હાઈએલર્ટ પર રખાયાં

Thursday 28th February 2019 07:09 EST
 
 

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધનો માહોલ સર્જાયો છે તેને ધ્યાનમાં રાખીને દેશનાં ત્રણે સૈન્યને હાઈ એલર્ટ પર રખાયાં છે. પાકિસ્તાન એરફોર્સના ફાઈટર વિમાનો બુધવારે એલઓસીમાં ઘૂસ્યાં પછી દેશના ૯ એરપોર્ટથી પ્રવાસીઓની અવરજવર લગભગ ૩ કલાક માટે અટકાવી દેવાઇ હતી. આ પહેલા દિલ્હીથી ઉત્તરની દિશામાં સંપૂર્ણ હવાઈ ક્ષેત્ર ખાલી કરી દેવાયું હતું. એરપોર્ટ અધિકારીઓ મુજબ શ્રીનગર, જમ્મુ, લેહ, પઠાણકોટ, અમૃતસર, શિમલા, કાંગડા, કુલ્લુ-મનાલી, પિથોરાગઢમાં એરપોર્ટ બંધ કરી દેવાયાં હતાં. ત્યાં ઉતરનારાં વિમાનોને બીજી જગ્યાએ મોકલી દેવાયાં હતાં, કારણ કે પાકિસ્તાન આ એરપોર્ટસને નિશાન બનાવી શકે છે.
પાકિસ્તાન સરહદ નજીકના ઉત્તર ભારતના ૮ રાજ્યોમાં ચંદીગઢ, પઠાણકોટ, ભટીંડા સહિત ૧૨થી વધુ એરપોર્ટને હજી પણ હાઇ એલર્ટ પર રખાયા છે. ભારતીય એરફોર્સ દુશ્મન દેશની દરેક ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. સાથે જ સરહદી રાજ્યોમાં સૈન્યની નિમણૂક વધારી દેવાઈ છે. અન્ય રાજ્યોમાં પણ સલામતી વધારાઈ છે. પઠાણકોટથી જમ્મુ જનારા નેશનલ હાઈવે પર પંજાબ પોલીસને હટાવી પોલીસ પોસ્ટ પર સૈન્યની નિયુક્ત કરી દેવાઈ છે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસ ડાયવર્ટ

સરહદ પર તણાવ વચ્ચે અનેક આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો પર પણ અસર થઈ છે. પાકિસ્તાન સરહદથી જઈને પસાર થતી ભારતીય અને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો બંધ કરી દેવામાં આવ્યાં છે. એર ઇન્ડિયા ગલ્ફ દેશો, યુરોપ અને અમેરિકા માટે પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ કરે છે.

પંજાબ સરહદે બંકરોમાં આર્મી

પંજાબના અમૃતસર અને તરનતારન જિલ્લાના સરહદીય વિસ્તારોમાં સૈન્યની ગતિવિધિઓ ઝડપી થઈ ગઈ છે. રમદાસ, અજનાલા, અટારી, ખેમકરણ વગેરે સેક્ટરોમાં સૈન્ય ડિફેન્સ લાઈન પર બનેલા બંકરોમાં પહોંચી ગયું છે. સૈન્ય સાથે જ જિલ્લા તંત્રે પણ તેના સ્તરે બેઠક શરૂ કરી છે. સ્વાસ્થ્ય વિભાગે ડોક્ટરોની રજાઓ રદ કરી દીધી છે અને ૨૪ કલાક એલર્ટ રહેવા માટે કહેવાયું છે. સરહદ પરના ગામોમાં લોકોને રાતના સમયે લાઈટ બંધ રાખવા કહેવાયું છે. એટલું જ નહીં રસ્તા પર ચાલનારાં વાહનોને પણ હેડ લાઈટ્સ બંધ રાખીને વાહન ચલાવવાનો આદેશ અપાયો છે. અજનાલા-રમદાસ સેક્ટરમાં રાવી નદીમાં અસ્થાયી પુલ બનાવવા માટે જરૂરી મશીનરી લવાઈ રહી છે. અજનાલા સેક્ટરમાં સૈન્યે પોલીસ તંત્ર સાથે તાલમેલ બનાવવા માટે ખાસ ટેલિફોન લાઈન પાથરી દીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter