નવી દિલ્હીઃ ભારતે ૧૭મીએ પાકિસ્તાની દૂતાવાસના સિનિયર અધિકારીને સમન્સ પાઠવીને તેડાવ્યા હતા. પાકિસ્તાનમાં હિંદુ લઘુમતીઓને થતાં અન્યાયો અને ખાસ કરીને તાજેતરમાં ત્રણ હિંદુ સગીરાઓના અપહરણ મુદ્દે વિરોધ નોંધાવવા માટે ભારતે પાકિસ્તાની અધિકારીને તેડાવ્યા હતા. બે સગીરા શાંતિ મેઘવાડ અને સર્મી મેઘવાડનું ૧૪ જાન્યુઆરીએ અપહરણ કરાયું હતું. આ વિસ્તારમાં હિંદુઓની વસતી વધારે છે. ભારતે પાકિસ્તાની અધિકારીને બોલાવીને આ મુદ્દે ગંભીર થવાની અને નક્કર પગલાં લેવાની તાકીદ કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં કાશ્મીર મુદ્દે બંને દેશોના વચ્ચેના સંબંધો અત્યંત તણાવગ્રસ્ત છે. પાકિસ્તાનના સિંધ વિસ્તારના ઠરપારકર જિલ્લાના ઉમરગામમાં રહેતી બંને સગીરાઓને કોઈ ઉપાડી ગયું છે. અન્ય એક ઘટનામાં સિંધના જ જેકોબાબાદમાંથી મહેક નામની હિંદુ સગીરાનું પણ ૧૫ જાન્યુઆરીએ અપહરણ કરાયું હતું.
પાકિસ્તાનમાં ખ્રિસ્તી સગીરાનું ધર્માંતરણ કરાવી નિકાહનો આરોપ
૧૫મીએ જ પાકિસ્તાનમાં એક ખ્રિસ્તી સગીરાનું પણ ધર્માંતરણ કરાવી નિકાહ કરાવાયાનો કિસ્સો સામે આવ્યો છે. હુમા નામની ૧૫ વર્ષની આ સગીરા ૧૦ ઓક્ટોબર, ૨૦૧૯થી લાપતા હતી. તે ધોરણ-૮ માં ભણતી હતી. પાકિસ્તાની મીડિયાના અહેવાલો મુજબ તેની માતા નગીના યોનસે કરાચી પ્રેસ ક્લબમાં માનવાધિકાર સંગઠનોના સભ્યો સાથે મીડિયાને આપવીતી સંભળાવી હતી.
નગીનાએ કહ્યું કે લઘુમતી સમુદાયની બાળાઓના અપહરણ, બળજબરીથી ધર્માંતરણ અને વિવાહ મામલે પોલીસ કોઇ કાર્યવાહી નથી કરતી. તેમની પુત્રીનું અપહરણ થયાના થોડા દિવસ બાદ ઘરે કેટલાક દસ્તાવેજ મળ્યા, જેમાં તેમની પુત્રીના ધર્માંતરણના અને નિકાહના પ્રમાણપત્ર હતા. તેમને જણાવાયું કે તેમની પુત્રીની શાદી ૬૦૦ કિ.મી. દૂર કરાચીમાં રહેતા એક મુસ્લિમ સાથે થઇ ચૂકી છે.