વોશિંગ્ટનઃ ‘ઇસ થપ્પડ કી ગુંજ તુમ્હેં મરતે દમ તક સુનાઈ દેગી...’ ફિલ્મ ‘કર્મા’નો આ ડાયલોગ મોટા ભાગના લોકોએ સાંભળ્યો હશે, પણ અહીં એવી થપ્પડની વાત છે જેની સ્પર્ધા યુરોપિયન રમતજગતમાં મશહૂર બની છે, અને હવે તેની લોકપ્રિયતા અમેરિકા સુધી પહોંચી ચૂકી છે. આ અનોખી સ્પર્ધાની લોકપ્રિયતા એટલી છે કે હોલિવૂડ સ્ટાર આર્નોલ્ડ સ્વાર્ઝનેગરને પણ તેમાં રસ પડ્યો છે. તેણે વિશેષ રસ લઈને અમેરિકામાં આ રમતને માન્યતા અપાવી છે. આ રમતનું નામ છે સ્નેપ ફાઇટિંગ ચેમ્પિયનશિપ.
સ્લેપ ફાઇટિંગ નામની આ સ્પર્ધામાં સ્પર્ધકોએ ખાસ કશું જ કરવાનું નથી, બસ તેમણે તેમની સામેના હરીફને થપ્પડ મારવાની હોય છે. જોકે આ થપ્પડ એટલા જોરથી મારવાનો પ્રયત્ન કરવાનો હોય છે કે સામેવાળો હરીફ તમને થપ્પડ મારી ન શકે. રમતગમતની અન્ય સ્પર્ધાની આમાં પણ મેન્સ અને વીમેન્સ બંને કેટેગરી છે. હાલમાં આ સ્લેપ ફાઇટિંગ ચેમ્પિયનશિપમાં મેન્સમાં રશિયાનો વાસિલી કામોલ્સ્કી ચેમ્પિયન છે તો વીમેન્સ કેટેગરીમાં યુએસની જુલિયા ક્રુઝર ચેમ્પિયન છે.
આ સ્પર્ધા ભલે થપ્પડ મારવાની ગણાતી હોય, પણ તેમાં થપ્પડ મારનારા અને ખાનારા જેવા તેવા લોકો ભાગ લેતા નથી. તેમાં ભાગ લેનારાઓમાં મુખ્યત્વે મિકસ્ડ માર્શલ આર્ટ્સના ફાઇટરો હોય છે અથવા તો સ્પોર્ટ્સપર્સન હોય છે. અહીંનો નિયમ સરળ છે કે હરીફને એટલા જોરથી થપ્પડ મારો કે તે તમને થપ્પડ મારી ન શકે. અહીં બે જણા સામસામે ઊભા રહીને એકબીજાને થપ્પડ મારે છે. કોઈ હરીફ થપ્પડ મારે ત્યારે બીજા હરીફે કોઈ બચાવ કરવાનો હોતો નથી. તેના પરિણામે આ સ્પોર્ટ્સમાં પણ ઇજાઓ જોવા મળી છે. ઘણી વખત તો અત્યંત ગંભીર ઇજા જોવા મળી છે.
આ સ્પર્ધામાં નોકઆઉટ થયેલી કર્ટની ઓલ્સન તાજેતરમાં સમાચારોમાં ચમકી હતી. તેણે જણાવ્યું હતું કે મને થપ્પડ મારનારી મહિલા જબરજસ્ત એથ્લીટ હતી. તેણે મારા બદલે કોઈ પુરુષને થપ્પડ મારી હોત તો પણ તેની આ જ સ્થિતિ હોત. આ થપ્પડને બે સપ્તાહનો સમય થયો ત્યાં સુધી ઓલ્સનને ખાવામાં તકલીફ પડતી હતી. તેને કેટલાય સપ્તાહો સુધી માથામાં દુઃખાવો રહ્યો હતો. આવી જોરદાર હતી થપ્પડ. ઓલ્સનની શોર્ટ ટર્મ મેમરીને પણ જબરજસ્ત અસર થઈ છે.
દરેક સ્પોર્ટ્સમાં બચાવની તક હોય છે, જ્યારે અહીં હરીફ તમને થપ્પડ મારે એ તમારે ખાઇ લેવાની હોય છે, જે જોખમી બાબત છે. યુરોપમાં આના લીધે એક સ્પર્ધકનું મૃત્યુ થતાં આ રમત વિવાદના ઘેરામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 2021માં આ રમતમાં પોલીસ ફાઇટર અને બોડી બિલ્ડર આર્થર વોલસ વાલ્કાક ચાર સ્નેપ કે થપ્પડમાં પડી ગયો હતો અને પછી કોમામાં ઉતરી ગયા બાદ મોતને ભેટ્યો હતો. તેને મલ્ટિપલ ઓર્ગન ફેઇલ્યોરના લીધે મૃત્યુ પામેલો જાહેર કરાયો હતો. તેના પછી પોલીશ સત્તાવાળાઓએ ટુર્નામેન્ટની સલામતીના માપદંડોની તપાસ શરૂ કરી હતી. આયોજકોએ પણ રમતની તીવ્રતા ઘટાડવા તેનું નામ પંચ ડાઉનથી બદલી સ્લેપ ફાઇટ કર્યુ હતુ. તેથી આયોજકોએ તેનું જૂનું નામ પંચ ડાઉન બદલીને સ્લેપ ચેમ્પિયનશિપ કરી નાખ્યું છે.
યુરોપમાં પોલેન્ડમાં વસતી પિયાકોસ્સા આ રમતની ચેમ્પિયન છે. તેણે વિજયી થયા પછી જણાવ્યું હતું કે સ્પર્ધા પછી મારો ચહેરો જાણે સૂજી ગયો હોય તેમ મને લાગતું હતું. મારો ચહેરો જોઈને કોઈને એમ જ લાગે કે હું જાણે કોઈ યુદ્ધ લડી આવી છું. આ રમત પહેલા પૂર્વ યુરોપમાં લોકપ્રિય થઈ હતી, તેના વીડિયો ફરતા થયા બાદ તે યુરોપમાં લોકપ્રિય થઈ. આજે અમેરિકામાં તેની લોકપ્રિયતા વધી રહી છે. હોલિવૂડ સ્ટાર આર્નોલ્ડ પોતે તેને વિકસાવવામાં રસ લઈ રહ્યો છે. જોકે આ રમત વિકસી રહી છે એમ તેની સાથે જોડાયેલા વિવાદો પણ વધી રહ્યા છે. સ્લેપ ફાઇટના હાલમાં સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર 50 કરોડથી વધુ વ્યુઅર છે. હવે પ્રમોટરો તેને એશિયામાં પણ બતાવવા આતુર છે.