મુંબઈઃ હોલીવૂડ એકટર વિલ સ્મિથ હાલ ચર્ચામાં છે. તેની પત્ની જૈડા પિંકેટ સ્મિથની ઓસ્કાર એવોર્ડ સમારંભ દરમિયાન મજાક કરવામાં આવી હતી. પરિણામે સ્મિથે શોના હોસ્ટ કોમેડિયન ક્રિસ રોકને સ્ટેજ પર જઇને તમાચો ચોડી દીધો હતો. આ પછી ઓસ્કારની દરેક ઇવેન્ટમાં તેના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જોકે આ ઘટના પછી વિલ અને ઝૈડા છૂટાછેડા લેવાના છે તેવી પણ વાત ચગી છે. આ બધા અહેવાલો વચ્ચે વિલ સ્મિથ ભારત આવી પહોંચ્યો છે.
વિલ સ્મિથને મુંબઇના કાલીનાના એક ખાનગી એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. તેની તસવીરો સોશ્યલ મીડિયા પર ફરી રહી છે. જોકે વિલ ૨૦૧૮માં પણ ઇન્ડિયા આવ્યો હતો અને હરિદ્વાર ગયો હતો. ૨૦૨૦માં તેણે સદગુરુ જગ્ગી વાસુદેવથી ધાર્મિક મુલાકાત પણ કરી હતી જેની તસવીરો સોશ્યલ મીડિયા પર જોવા મળી હતી.
હવે સ્મિથ ધાર્મિક કાર્યો માટે ભારત આવ્યો હોવાનું કહેવાય છે. તેની સાથે એક સંત પણ જોવા મળ્યા હતા. તેમજ સ્મિથ પણ ગળામાં માળા પહેરેલો જોવા મળ્યો હતો.
કહેવાય છે કે, વિલ સ્મિથનું અંગત જીવન હાલ ડામાડોળ થઇ ગયું છે. પહેલા ઓસ્કારમાં થપ્પડ કાંડ પછી પત્ની જૈડા પિંકેટ સાથે લગ્નસંબંધમાં તાણ ઉદભવી છે. તેથી લોકોનું માનવું છે કે, વિલ શાંતિ માટે ભારત યાત્રા પર આવ્યો છે.
વિલ અને પત્ની જૈડા વચ્ચે ઓસ્કારની દુર્ઘટના પછી તણાવભર્યા સંબંધ થઇ ગયા હતા. પતિ-પત્નીએ એકબીજા સાથે વાતચીત સાવ ઓછી કરી નાખી હતી. જો આ યુગલ છૂટાછેડા લેશે તો સ્મિથની ૩૫૦ મિલિયન ડોલરની કુલ સંપત્તિ પર ઝૈડા પિંકેટનો અડધો હિસ્સો રહેશે.