બેંગકોકઃ લોકતંત્ર સમર્થક ગત ૪ મહિનાથી થાઈલેન્ડમાં બંધારણમાં સુધારાની માગ કરી રહ્યા છે. દેખાવકારોની માગ છે કે લોકોને રાજસત્તા કે સરકાર વિરુદ્ધ બોલવાની આઝાદી અપાય. રવિવારે રાત્રે ૧૦ હજાર દેખાવકારો રાજધાની બેંગકોક સ્થિત ગ્રાન્ડ પેલેસ પહોંચ્યા હતા અને રાજાશાહી અને સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવો અને સૂત્રેચ્ચાર કર્યાં હતાં. દેખાવો ઉગ્ર થતાં પોલીસે ૧૦ હજાર લોકો પર વોટરકેનનો મારો ચલાવી દેખાવકારોને વેરવિખેર કર્યા હતા. જોકે નાસભાગ મચી જતાં ૫૦૦થી વધુ લોકો ઘવાયા હતા. અહેવાલ અનુસાર દેખાવોને રોકવા સરકાર બેંગકોકમાં ઈમરજન્સી જાહેર કરી ચૂકી છે. તેનાથી અધિકારીઓને દેખાવકારો પર કાર્યવાહી કરવાની છૂટ મળી ગઈ છે.