નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે અંતરિક્ષ કૂટનીતિ શરૂ કરી છે. ભારત ૫ મેના રોજ દક્ષિણ એશિયા સેટેલાઇટ લોન્ચ કરશે. પ્રોજેક્ટની કિંમત લગભગ ૪૫૦ કરોડ રૂપિયા છે. પહેલી વખત એવું બની રહ્યું છે કે ભારત દક્ષિણ એશિયા માટે સેટેલાઇટ લોન્ચ કરી રહ્યું છે. સાર્કના આઠમાંથી સાત દેશ પ્રોજેક્ટનો ભાગ છે. પાકિસ્તાને તેમાં સામેલ થવાનો ઇન્કાર કર્યો હતો. તે ભારત પાસેથી કોઇ ભેટ લેવા ઇચ્છતું નથી. મન કી બાત કાર્યક્રમમાં રવિવારે મોદીએ કહ્યું કે, સેટેલાઇટ પડોશી દેશોને ભારતની ભેટ છે. સૌનો સાથ સૌનો વિકાસ ફક્ત ભારત માટે નથી. પડોસી દેશોનો વિકાસ અને તેને સાથે લઇને ચાલવું પણ તેમાં સામેલ છે.
સેટેલાઇટથી દક્ષિણ એશિયાના વિકાસની પ્રાથમિકતાઓ પૂરી કરવામાં મદદ મળશે. પ્રાકૃતિક સંસાધનોનું મેપિંગ, ટેલિ મેડિસિન, શિક્ષણ, આઇટી કનેક્ટિવિટી જેવા ક્ષેત્રમાં મદદ મળશે. મોદીએ વડાપ્રધાન બનતાં સાર્ક દેશોમાં સેટેલાઇટનો પ્રસ્તાવ મૂક્યો હતો.