નવી દિલ્હી: ભારત, જાપાન અને અમેરિકાની નેવીએ ૧૦મી જૂનથી દક્ષિણ ચીન સમુદ્રમાં સંયુક્ત અભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસ ‘મલબાર યુદ્ધ અભ્યાસ’ તરીકે ઓળખાય છે. મજબૂત સૈન્ય સંબધો બનાવવા અને આ ક્ષેત્રમાં વધી રહેલા તણાવની વચ્ચે ક્રિયાશીલતા વધારવા માટે આ સંયુક્ત સૈન્ય અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. ‘મલબાર યુદ્ધ અભ્યાસ’માં ત્રણેય દેશોના કુલ ૧૦૦ એરક્રાફટ અને ૨૨ જહાજો સામેલ થયા છે.
ભારતીય નેવીના જણાવ્યા અનુસાર, ‘સાતપુડા’, ‘સહ્યાદ્રી’, ‘શક્તિ’ અને ‘કીર્ચ’ જેવાં નેવલ જહાજો અભ્યાસની ૨૦મી આવૃત્તિમાં ભાગ લઈ રહ્યાં છે.
ભારતીય નેવીએ આ અંગે જણાવ્યું છે કે, આ અભ્યાસથી ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઇ સુરક્ષાને મદદ મળશે અને વૈશ્વિક દરિયાઇ સુરક્ષા ક્ષેત્રને લાભ થશે.
આ કવાયતનું મહત્ત્વ એટલા માટે વધુ છે કે આ કવાયત દક્ષિણ ચીન સમુદ્રમાં એવા સમયે થઈ રહી છે જ્યારે ચીન આ ક્ષેત્રમાં પોતાનો હસ્તક્ષેપ વધારી રહ્યું છે.
ભારત અને અમેરિકા ૧૯૯૨થી નિયમિત રીતે નેવીની સંયુક્ત કવાયત કરતા આવ્યા છે. ગયા વર્ષે આ કવાયત ચેન્નાઇના દરિયાકાંઠે યોજાઇ હતી અને તેમાં જાપાને ભાગ લીધો હતો. આ કવાયતનો હાર્બર (બંદર) તબક્કો સાસેબો દરિયાઈ વિસ્તારમાં શરૂ થયો છે જ્યારે સમુદ્રી તબક્કો ૧૪થી ૧૭ વચ્ચે યોજવામાં આવશે.
આ કવાયતમાં અમેરિકાએ પોતાના ‘યુએસએસ જોહ્ન સી સ્ટેન્નિસ’ (સીવીએન ૭૪), ‘ટિકોનદેરોગા કલાસ ક્રૂઝર યુએસએસ મોબાઇલ બે’ અને ‘અર્લેઘ બુર્ક કલાસ ડિસ્ટ્રોયર યુએસએસ સ્ટોકડેલ’ જહાજો ઉતાર્યા છે. આ તમામ જહાજો હેલિકોપ્ટરોથી સજજ છે. આ કવાયતમાં જાપાન હેલિકોપ્ટરથી સજજ ‘હ્યુગા’ અને અન્ય આધુનિક યુદ્ધ જહાજો સાથે ભાગ લઈ રહ્યું છે.