દક્ષિણ ચીની સાગરમાં ફરી એકવાર તણાવભર્યો માહોલ સર્જાયો છે. ચીને અહીં એક વિવાદિત ટાપુ પર સરફેસ ટુ એર મિસાઇલ તેનાત કરી દીધી છે. એટલું જ નહીં, તેણે અહીં રડાર સિસ્ટમનો સેટઅપ પણ ઊભો કર્યો છે. અમેરિકા અને ભારત આ વિસ્તારમાં સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરવાના છે એ સમાચારો પ્રસરતાં ચીને આ આક્રમક પગલું લીધું છે. ઉલ્લેખનીય છે કે, ચીન દક્ષિણ ચીની સાગર પર પોતાનો હક છે તેવું દર્શાવતો આવ્યો છે. સૂત્રો મુજબ, ચીને દક્ષિણ ચીની સાગરમાં આઠ મિસાઇલ સાથે વૂડી ટાપુ પર એક રડાર સિસ્ટમ પણ ઊભું કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, વિવાદિત ટાપુ વુડી પર તાઇવાન અને વિયેતનામ પણ પોતાનો હકદાવો કરતા આવ્યા છે. ચીનની આ હરકતને સિવિલિયન સેટેલાઇટ ઇમેજરી અને ઇમેજસેટ ઇન્ટરનેશનલે કેપ્ચર કરી છે. ફોક્સ ન્યૂઝના રિપોર્ટમાં આ અંગે જણાવાયું છે કે, આ મિસાઇલ્સ ૧૪ ફેબ્રુઆરીના રોજ વુડી ટાપુ પર લાવવામાં આવી હતી.
અમેરિકાની ચીનને ચેતવણી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ ચીનને ચેતવતાં ૧૦ દેશોના વડા પ્રધાન સમક્ષ જણાવ્યું હતું કે, એશિયાના સમુદ્રોમાં ચીજો પર દાવા કરવાની પ્રવૃત્તિ, નવા નિર્માણ અને સૈન્યીકરણ તેનાત કરી દેવું ચીને બંધ કરવું જોઇએ. ઓબામાએ એમ પણ જણાવ્યું હતું કે, અમેરિકા દક્ષિણ ચીની સાગર વિસ્તારમાં પોતાની ઊડાન બંધ નહીં કરે અને તેઓ અહીં મુક્તપણે ફરશે. અમને આમ કરવા આંતરરાષ્ટ્રીય કાયદા મંજૂરી આપે છે.