સાન ફ્રાન્સિસ્કોઃ હવાઈપ્રવાસ કરતા લોકોને કેટલીયે વખત એર ટર્બ્યુલન્સનો સામનો કરવો પડે છે. 16 જૂને લંડન આવી રહેલી બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ ખતરનાક એ૨ ટર્બ્યુલન્સમાં ફસાઈ ગઈ હતી. પાંચ ક્રૂ મેમ્બર ઘાયલ થતાં ફ્લાઈટને સિંગાપોર પરત ફરવું પડ્યું હતું.
બ્રિટનની યુનિવર્સિટી ઓફ રીડિંગ્સના હવામાનશાસ્ત્ર વિભાગના રિસર્ચમાં સામે આવ્યું છે કે આ ઘટનાઓનું કારણ ક્લિયર એર ટર્બ્યુલન્સ (સીએટી) છે. સૌથી મોટી ચિંતાની વાત તો એ છે કે ક્લિયર એર ટર્બ્યુલન્સ દેખાતું નથી અને પાઈલટને આકાશમાં ચેતવણીનો સંકેત પણ દેખાતો નથી. તેથી જ તેમની આગાહી કરવી પણ મુશ્કેલ છે.
જિઓલોજિકલ રિસર્ચ લેટર્સ જર્નલમાં જૂનમાં પ્રકાશિત આ સ્ટડીમાં 1979થી 2020 સુધીના ક્લિયર એર ટર્બ્યુલન્સના મામલાઓનું વિશ્લેષણ કરાયું હતું. દરેક સિઝનમાં ક્લિયર એર ટર્બ્યુલન્સના કેસ 14 ટકાના દરથી વધી રહ્યા છે. ઉનાળામાં એર ટર્બ્યુલન્સ ઘટે છે જ્યારે શિયાળામાં વધી જાય છે. ગ્લોબલ વોર્મિંગ વધવાથી આવા કેસો વધુ વધી શકે છે. રિસર્ચના સહ-લેખક પોલ વિલિયમ્સ કહે છે કે દુનિયાના સૌથી વ્યસ્ત હવાઈ માર્ગ નોર્થ એટલાન્ટિક પર ભયંકર ટર્બ્યુલન્સના કેસો 1979ની સરખામણીમાં 2020માં 55 ટકા વધી ગયા છે. પ્રો. વિલિયમ્સ કહે છે કે સમુદ્ર પછીના મહાદ્વીપના ઉપરના વિસ્તારો ક્લિયર એર ટર્બ્યુલન્સ માટે હોટ સ્પોટ છે.
એર ટર્બ્યુલન્સથી અમેરિકાને દર વર્ષે 16 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. જ્યારે 2009થી 2022 સુધીમાં 163 અમેરિકનો ઘાયલ થયા છે. ડેલ્ટા એરલાઈન્સના 12 હજાર પાઈલટ જૂના ટર્બ્યુલન્સ અલ્ગોરિધમ બેઝ્ડ ટેબ્લેટનો ઉપયોગ કરી રહ્યા છે.