જલંધરઃ 80 વર્ષની વયે દોડવીર બનેલા ફૌજા સિંહ 113 વર્ષનું સ્પષ્ટ માનવું છે કે મુશ્કેલીઓનો વિચાર કરીને અટકી જનારા કશું કરી શકતા નથી. લંડન ઓલિમ્પિક્સના મશાલવાહક ફૌજા સિંહ 100 વર્ષની વયે ફૂલ મેરેથોન દોડીને સૌથી વયોવૃદ્ધ વ્યક્તિનો વિક્રમ નોંધાવ્યો હતો, જે આજેય અતૂટ છે.
જલંધરથી 20 કિમી દૂર આવેલા બ્યાસ પિંડમાં રહેતા ફૌજા સિંહે તાજેતરમાં નશીલા પદાર્થો વિરુદ્ધ હાફ મેરેથોન પૂરી કરી છે. લંડન મેરેથોન તેમની પહેલી ફૂલ મેરેથોન હતી. ફૌજા સિંહ 100 વર્ષની વયે કેનેડામાં દિવસમાં 8 વિશ્વવિક્રમ નોંધાવ્યા હતા. શતાયુ ફૌજા સિંહે એક અખબાર સાથેના ઇન્ટરવ્યુમાં મેરેથોન દોડવાથી લઇને પોતાના દીર્ઘાયુ વિશે કરેલી વાતચીતના અંશોઃ
• દોડવાની પ્રેરણા ક્યાંથી મળે છે?
હું ખેતી કરતો હતો. મારો યુવાન પુત્ર અકસ્માતમાં ગુજરી ગયો. મેં પત્ની અને એક પુત્રી પણ ગુમાવ્યા. હું મુશ્કેલીઓને હરાવવા માટે દોડું છું. મુશ્કેલીઓ મને પ્રેરણા આપે છે, દોડતો રાખે છે.
• તમારી દિનચર્યા કેવી છે? સ્વાસ્થ્યની કઇ પ્રકારે કાળજી લો છો? શું ખાઓ છો?
સવારે 6-7 વાગ્યે ઊઠીને ચાલું છું. પછી ચા અને અળસી લઉં છું. આરામ કરું છું. લોકો સાથે મિલન-મુલાકાત કરું છું. બપોરે દાળ કે શાક સાથે એક રોટલી ખાઉ છું. સાંજે પણ હળવો ખોરાક લઉં. દાળથી વધુ શાક પસંદ છે. તેમાં પણ ટીંડા કે સાગ હોય તો મજા પડી જાય. આ જ મારી દિનચર્યા છે.
• આજે પણ કઈ પળો તમને સૌથી વધુ આનંદ આપે છે?
હું દેશ-વિદેશમાં અનેક મેરેથોન દોડ્યો છું. મેરેથોન વચ્ચે ક્યારેય પડયો નથી, પણ 2012માં હું છેલ્લી વાર હોંગકોંગમાં દોડ્યો હતો. એ મારી નિવૃત્તિની દોડ હતી. હું 101 વર્ષનો થઈ ગયો હતો. અહીં હું દોડમાં અધવચ્ચે પડી ગયો અને ઘવાયો. મારા ઘૂંટણ છોલાઈ ગયા. ગળું સુકાઈ રહ્યું હતું, પણ પાણી પીધું, ઉઠ્યો અને દોડ્યે. એ દોડ બે-ત્રણ મિનિટના અંતરે જીત્યો તો આખું સ્ટેડિયમ ‘ફૌજા સિંહ... ફૌજા સિંહ’ના નારાથી ગૂંજી ઊઠ્યું. એ વખત જેવો આનંદ જીવનમાં ક્યારેય નથી મળ્યો.
• તમે યુવાનોને શો સંદેશ આપશો?
હું એટલું જ કહીશ કે નશો ન કરો. તેનાથી ખરાબ બીજું કશું જ નથી. તમારા દેશ માટે કોઈ સારું કાર્ય કરો. યુવાનો માટે આ જ મારો સંદેશ છે.
10થી વધુ વર્લ્ડ રેકોર્ડ
1) 100 વર્ષની વયે ફૂલ મેરેથોન દોડનારા સૌથી વયોવૃદ્ધ. 2) 90 વર્ષથી વધુ વયના વર્ગમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ દોડવીરનો જૂનો રેકોર્ડ તોડ્યો. 3) 2003માં ટોરોન્ટો વોટરફ્રન્ટ મેરેથોનને 90થી વધુ વયનાની કેટેગરીમાં 5.40 મિનિટમાં પૂરી કરી. 4) 100 વર્ષની વયે કેનેડાના ટોરોન્ટોમાં એક જ દિવસમાં 8 વિશ્વ વિક્રમ કર્યા.
ફૌજા સિંહના નામે એવોર્ડ
ફૌજા સિંહ આમ તો દેશ-વિદેશમાં અનેક એવોર્ડ-ખિતાબથી સન્માનિત થઇ ચૂક્યા છે, પરંતુ બે આંતરરાષ્ટ્રીય સન્માન વિશેષ ઉલ્લેખનીય છે. એક તો, વંશીય સહિષ્ણુતાના પ્રતીકરૂપે નેશનલ એથનિક કોલિએશન દ્વારા એલીસ આઇલેન્ડ મેડલ ઓફ ઓનરથી સન્માનિત પ્રથમ બિનઅમેરિકન, અને બીજું, વર્ષ 2011માં પ્રાઈડ ઓફ ઇન્ડિયાના એવોર્ડથી થયેલું સન્માન.