તાઈપેઈ: તાઈવાનના ન્યુ તાઈપેઈ પોર્ટ પરથી રવાના થયેલા માછીમારો મધદરિયે પહોંચ્યા તો એક અજીબ વસ્તુ તરતી જોવા મળી હતી. તેઓ કૌતુક સાથે નજીક પહોંચ્યા તો તેમની આંખો પહોળી થઇ હતી. તે બીજું કંઇ નહીં, પણ સ્વિમિંગ રિંગ પહેરેલો એક નિર્વસ્ત્ર વ્યકિત મળી આવ્યો હતો. આ વ્યકિત સમુદ્રની વચ્ચે કેવી રીતે આવ્યો તે ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ક્લિપમાં એક વ્યકિતને બચાવવા માટે લાઈફગાર્ડને પ્રયત્નો કરતા જોઈ શકાય છે. તેને બચાવવા માટે ઈમરજન્સી સર્વિસની મદદ લેવામાં આવી હતી.
પૂછપરછ કરતાં ખબર પડી કે, આ ભાઈનું હોંગ નાન છે અને એ તો 19 કલાકથી સમુદ્રની વચ્ચે અટવાઈ પડ્યો હતો. હોંગ નાને જણાવ્યું કે, છઠ્ઠી જુલાઈના રોજ તે બહુ થાકી ગયો હોવાથી થાક દૂર કરવાના ઇરાદે સાંજે છ-સાત વાગ્યા આસપાસ તે રિંગ લઇને સમુદ્રમાં કૂદ્યો હતો. આ દરમિયાન તેણે થોડો દારૂ પણ પીધો હતો. પછી તો શું કહેવું? થોડી મિનિટોમાં તે ઊંઘમાં સરી પડ્યો અને દરિયાની વચ્ચે પહોંચી ગયો હતો. આંખો ખૂલી તો ચારેબાજુ પાણી જ પાણી અને દરિયાના મોજાં ઉછળતાં જોઇને ગભરાયો. હોંગ કહે છે કે ‘હું કલાકો સુધી બુમો પાડતો રહ્યો પરંતુ, અનેક કિમી સુધી કોઈ વ્યકિતનું નામનિશાન જોવા મળતું નહતું.’ અને તે થાકીહારીને બેભાન થઇ ગયો હતો. હોંગ નાનને રેસ્ક્યુ કરીને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને કેટલાક ટેસ્ટ બાદ તેને રજા આપવામાં આવી હતી.