સ્વિત્ઝર્લેન્ડની ઇટીએચ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ દરિયાઇ રહસ્યોનો તાગ મેળવવા માટે રોબોટિક માછલી બનાવી છે. ‘બેલે’ નામની આ માછલીની લંબાઈ 3 ફૂટ છે. તે દરિયામાં સામાન્ય માછલીઓની જેમ તરે છે અને દરિયામાંથી ડેટા એકત્ર કરે છે. દરિયાઇ વાતાવરણને કોઇ પણ પ્રકારે નુકસાન કર્યા વગર આ માછલી બધી જાણકારી મેળવે છે. તેના મોં પર કેમેરા છે. રોબોટિક માછલી બનાવનાર વિદ્યાર્થી લિયોન ગુગેનહેમ કહે છે કે ‘બેલે’ માછલીની મદદથી દરિયામાં થનાર તમામ પ્રકારની હલચલને જોઇ શકાશે અને સમજી શકાશે. સામાન્ય માછલીની જેમ વર્તન કરે તે માટે રોબોટિક માછલીને માછલી જેવું જ સ્વરૂપ આપવામાં આવ્યું છે. માથા પર કેમેરા છે અને પેટમાં બેટરી અને મોટર સ્થાપિત કરાઇ છે. સાથે ફિલ્ટર અને પંપ લગાવાયા છે. જે દરિયાઇ ડીએનએને પકડી પાડવામાં મદદરૂપ થાય છે. ‘બેલે’ને રેડિયો ફ્રિકવન્સીથી કનેક્ટ કરી શકાતી ન હોવાથી તે બે કલાક ડેટા જમા કર્યા બાદ પાણીની ઉપર આવી જાય છે. જીપીએસ સિગ્નલથી જાણી શકાશે કે તે દરિયામાં ક્યાં ઉપર આવી છે ત્યાંથી નિષ્ણાતોની ટીમ માછલીને ઉઠાવી લે છે.