નવી દિલ્હીઃ ભારતીય બેન્કોમાં એનઆરઆઈની ડિપોઝિટમાં વધારો થયો છે. હાલ દેશની બેન્કોમાં એનઆરઆઇની જમા રકમ 6.2 ટકા છે. છેલ્લા એક દાયકામાં બેન્કોની કુલ જમા રકમમાં 10.2 ટકા તથા એનઆરઆઇની ડિપોઝિટમાં 7.2 ટકાનો વધારો થયો છે. બેન્ક ઓફ બરોડાના અર્થશાસ્ત્રી દીપાન્વિતા મજૂમદારે જણાવ્યું હતું કે વ્યાજદરમાં અંતર અને વૈશ્વિક ચિંતાઓના કારણે ભારતીય બેન્કો એનઆરઆઈ માટે આકર્ષક વિકલ્પ બનીને ઉભરી છે. રિપોર્ટ અનુસાર એનઆરઆઈના એનઆરઓ ખાતાનો 10 વર્ષનો કમ્પાઉન્ડ ગ્રોથ રેટ (સીજીઆર) 15.2 ટકા છે. તેના વિવિધ કારણો છે. કોરોનાકાળ બાદ એનઆરઓ ખાતાની સંખ્યામાં પણ સતત વધારો થયો છે.
એનઆરઓ ખાતાનાં વ્યાજ પર 30 ટકા ટેક્સ
એનઆરઓ ખાતા મુખ્યત્વે ભારતની પ્રોપર્ટીના ભાડા, નફો અને પેન્શન જેવી ઘરેલુ આવક જમા કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. દર વર્ષે ટેક્સની ચુકવણી કર્યા બાદ વ્યાજ પરત લેવાની કે નાણાં ટ્રાન્સફર કરવાની મંજૂરી મળે છે. આ પ્રકારના ખાતામાં વ્યાજની રકમ પર 30 ટકા ટેક્સ લાગુ થાય છે.