મુંબઈઃ વર્ષ ૧૯૯૩માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોંબવિસ્ફોટના આરોપી ફારૂક ટકલાને દુબઈમાં પોલીસે પકડી પાડી તેને ભારત ડિપોર્ટ કર્યો છે. ટકલા નવી દિલ્હી એર પોર્ટ પર પહોંચતા જ સીબીઆઈએ તેનો કબજો મેળવી તેની ઊલટતપાસ શરૂ કરી દીધી હતી. આઠમી માર્ચે બપોરે ટકલાને ટાડા કોર્ટ સમક્ષ હાજર કરી દાઉદ અને અન્ય સાગરિતો તેમજ ૧૯૯૩ બોંબ બ્લાસ્ટ કેસ અંગેની વધુ માહિતી મેળવવા તેની કસ્ટડી મેળવવામાં આવી હતી. સીબીઆઈ પ્રવકતાએ જણાવ્યું હતું કે સીબીઆઈએ તાજેતરમાં દિલ્હી એર પોર્ટનાં ઇમિગ્રેશન કાઉન્ટર પરથી ફારૂક ટકલા ઉર્ફે મુસ્તાક મહોમ્મદ મિયાની ધરપકડ કરી હતી. ૧૯૯૩માં મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ થતાં પૂર્વે ટકલા ઉર્ફે યાસીન મન્સુર મહોમ્મદ ફારૂક ભારત છોડી વિદેશ નાસી ગયો હતો. દાઉદનો આ સાથી વિવિધ દરિયાકાંઠે શસ્ત્રો ઉતારવા બોંબ તૈયાર કરવા અને અન્ય પ્રવૃત્તિમાં સામેલ હતો. ફારૂક ટકલા સામે ૧૯૯૫માં ઇન્ટરપોલે રેડકોર્નર નોટિસ બહાર પાડી હતી.
ફારૂક ટકલાનો ઈતિહાસ
રેકોર્ડ્ઝ અને ગુનાખોરીની દુનિયામાં ચાલેલી ચર્ચાઓ પ્રમાણે ફારૂક ટકલા મહોમ્મદ અહમદ યાસીન મન્સુરી ઉર્ફે લંગડાનો જોડિયો ભાઈ છે. લંગડાની ૧૯૯૩ના બોમ્બ બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરાઈ હતી. પરંતુ તે પછીથી છૂટી ગયો હતો. ટકલા આ બોમ્બ બ્લાસ્ટમાં કેસ ઉપરાંત સનસનાટીપૂર્ણ જે જે હોસ્પિટલ શૂટઆઉટ કેસમાં પણ સંડોવાયેલો છે. ૧૨ સપ્ટેમ્બર ૧૯૯૨ના રોજ જે જે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શૈલેશ હલદણકરની દાઉદની ટોળકીના ગુંડાઓએ ગોળી મારી હત્યા કરી હતી.
શ્રેણીબદ્ધ હુમલાઓનો માસ્ટર માઈન્ડ
૧૨ માર્ચ ૧૯૯૩ના રોજ મુંબઈમાં શ્રેણીબદ્ધ બાર બોંબ વિસ્ફોટ કરવામાં આવતાં ૨૫૭નાં મોત થયા હતાં અને ૭૧૩ને ઇજા થઈ હતી. ભારતમાં થયેલો આ સૌથી મોટી આંતકી હુમલો હતો. યુનોની સલામતી સમિતિએ આ બોંબવિસ્ફોટ કરાવનાર દાઉદને વૈશ્વિક આંતકી ગણાવ્યો હતો. ટકલા પણ આ બોંબવિસ્ફોટમાં સંડોવાયેલો હતો. બોંબવિસ્ફોટ બાદ દાઉદના સાથીદારો ટાઇગર મેમણ, યાકુબ મેમણ અને અબુ સાલેમ દેશ છોડી નાસી ગયા હતા. જેમાંથી યાકુબને પકડી તેને ફાંસીએ લટકાવાયો હતો. જ્યારે અબુ હાલ જેલમાં છે.