ઝાગ્રેબ (ક્રોએશિયા): વ્યક્તિ મોટા ગજાની હોય કે આમ આદમી હોય, દારૂ પીધા બાદ હેંગઓવરની સમસ્યા દરેક માટે સામાન્ય છે. આ બાબતને જ ધ્યાનમાં રાખીને ક્રોએશિયાની રાજધાની ઝાગ્રેબમાં એક વિશિષ્ટ પ્રકારનું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જે ખાસ કરીને હેંગઓવર બાદનો સમય વીતાવવા માટે જ છે.
આ મ્યુઝિયમમાં આવતા લોકો નશા બાદ પોતાના દિલની હાલત વર્ણવી રહ્યા છે. નશાની હાલતમાં આ મ્યુઝિયમમાં પહોંચતા લોકો મોકળા મને પોતાની ભાવનાઓને વ્યક્ત કરે છે તો ઘણા લોકો ફક્ત મસ્તી કરવા માટે જ મુલાકાત લે છે.
મ્યુઝિયમના સંચાલક રોબર્ટા મિકેલિક અને તેમના બોયફ્રેન્ડ રિનો ડુબોકોવિકે આ મ્યુઝિયમ બનાવવા અંગેના પોતાના વિચારની માહિતી આપી હતી. રોબર્ટા મિકેલિક કહે છે કે, ‘તેઓ કેટલીક એવી વસ્તુઓનો સંગ્રહ કરવા માંગે છે કે જે લોકો નશાની હાલત બાદ સૂઈને સવારે જતા રહે ત્યારે પોતાના પાસે ન હોય તો પણ તે ખોટ ધ્યાનમાં ન લે.' રોબર્ટા અને રિનોએ તેમના મ્યુઝિયમને આ પ્રકારનું પ્રથમ અને એકમાત્ર મ્યુઝિયમ ગણાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે મ્યુઝિયમ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકો હેંગઓવર દરમિયાન ફક્ત મોજમજા કરે તે છે. કારણ કે, નશાની હાલતમાં અમુક રાતો એવી હોય છે જેના વિશે લોકોને કશું પણ યાદ નથી હોતું. ઘણી વખત આવી રાત્રિઓ દરમિયાન વ્યક્તિ હોંશમાં નથી હોતી અને તે બ્લેકઆઉટમાં જતી રહે છે.
આ મ્યુઝિયમમાં અનેક રસપ્રદ વસ્તુઓનું કલેક્શન જોવા મળી રહ્યું છે. નશાની હાલતમાં આવતાં લોકો આ મ્યુઝિયમમાં સ્ટોપ સાઈન અને પ્લાસ્ટિકના કુંડા સહિતની ચિત્ર-વિચિત્ર વસ્તુઓ ભૂલી જાય છે. ઘણી વખત તો તેઓ નશાની હાલતમાં જ દીવાલ પર આડા-તેડા નકશાઓ બનાવે છે જે તેમના ઘરે પહોંચવાનો રસ્તો દર્શાવતા હોય છે.