નવી દિલ્હીઃ ટેસ્લા સહિત સંખ્યાબંધ કંપનીઓના માલિક અને વિશ્વના સૌથી ધનવાન લોકોની યાદીમાં સ્થાન ધરાવતા એલન મસ્કે ૧૯ નવેમ્બર ૨૦૨૧થી ૨૯ નવેમ્બર ૨૦૨૧ વચ્ચે પોતાની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના ૫૭૦ કરોડ ડોલર મૂલ્યના ૫૦.૪૪ લાખ શેર દાન કરી દીધા છે. જોકે અહેવાલમાં એ વાતનો ખુલાસો કરવામાં નથી આવ્યો કે એલન મસ્કે કઈ સંસ્થાને આ દાન કર્યું છે.
ટેસ્લા કંપનીએ ૨૦૧૨માં એલન મસ્કને એવો સ્ટોક ઓપ્શન આપ્યો હતો કે તે શેરદીઠ ૬.૨૪ ડોલરના ભાવે કંપનીના ૨.૨૮ કરોડ શેર ખરીદી શકે છે. એલન મસ્ક પાસે સસ્તામાં શેર ખરીદી લેવાના વિકલ્પનો લાભ લેવા ૨૦૨૨ સુધીનો સમય હતો.
પણ આટલું મોટું દાન કેમ કર્યું?
એલન મસ્કના દિલમાં દયાનો દરિયો ઉમટી પડ્યો છે એવું નથી. ખરેખર તો ટેક્સ ચૂકવવો ન પડે એ માટે શેર દાન આપ્યા છે. અમેરિકાના કાયદા અનુસાર શેરની ખરીદકિંમત અને શેરની વાસ્તવિક કિંમત વચ્ચે જે તફાવત આવે એના ૫૦ ટકા કેપિટલ ગેઈન ટેક્સ સ્વરૂપે સરકારને આપવા પડે. જો મસ્ક ધર્માદા સંસ્થાને શેર દાન કરી દે તો તેમને કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો ન પડે.
ગયા વર્ષે ૧૦ ટકા શેર વેચી દીધા હતા
ઉલ્લેખનીય છે કે એલન મસ્કે ૨૦૨૧માં ટ્વિટર પર સવાલ મૂક્યો હતો કે મારે ટેસ્લામાં મારા ૧૦ ટકા શેર વેચી દેવા જોઈએ કે નહીં? સવાલના જવાબમાં બહુમતી લોકોએ હા પાડતાં એલન મસ્કે પોતાની ટેસ્લા કંપનીના ૧,૬૪૦ કરોડ ડોલરના શેર વેચી દીધા હતા. એક અહેવાલ અનુસાર એલન મસ્કની નેટવર્થ ૨૨,૭૦૦ કરોડ ડોલર છે.