ઇસ્લામાબાદ, નવી દિલ્હીઃ એક તરફ પાકિસ્તાને ર૪ કલાકમાં ત્રણ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે બીજી બાજુ ઉધમપુરમાં હુમલા બાદ જીવતા પકડાયેલા આતંકવાદી નાવેદ ઉર્ફે ઉસ્માન ઉર્ફે કાસિમને પોતાનો નાગરિક સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. એટલું જ નહીં, પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઈના પૂર્વ વડા અને આર્મીના નિવૃત્ત લેફ. જનરલ હમિદ ગુલે ચેતવણી ઉચ્ચારી છે કે, જો ભારત સીધું નહીં ચાલે તો અમે દિલ્હીના હાલ હિરોશિમા જેવા અને મુંબઈના હાલ નાગાસાકી જેવા કરશું.
પાકિસ્તાનની ધમકીના જવાબમાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહે સંસદનાં બંને ગૃહમાં ફક્ત એટલું જણાવ્યું કે, જે આતંકવાદી પકડાયો છે તેણે તેનું નામ મોહમ્મદ નાવેદ ઉર્ફે ઉસ્માન છે અને માર્યા ગયેલા આતંકીનું નામ મોમિન છે. તેઓ પાકિસ્તાનના નિવાસી છે અને આ હુમલો શાંતિપ્રક્રિયાને ડહોળવાનો પ્રયાસ છે. સરકાર હુમલામાં શહીદ બંને જવાનોને વીરતા પુરસ્કારથી નવાજશે.
આ સાથે, ગૃહ મંત્રાલયે હુમલાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી (એનઆઇએ)ને સોંપી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે ઉધમપુર હુમલા પાછળ આઇએસઆઇને જવાબદાર ઠેરવી છે, પણ ભારત સરકારે આ અંગે કંઇ પણ નિવેદન કરવાનું ટાળ્યું છે.