નવી દિલ્હીઃ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનો ભારતપ્રવાસ અણધાર્યા વિવાદમાં સપડાયો છે. કેનેડાના ભારતસ્થિત હાઈ કમિશન તરફથી ૨૨ ફેબ્રુઆરીએ પાટનગરમાં વડા પ્રધાન ટ્રુડોના સન્માનમાં ડિનર યોજાયું હતું, જેમાં ખાલિસ્તાની આતંકવાદી જસપાલ અટવાલને પણ આમંત્રણ અપાયું હતું. જોકે આ મુદ્દે વિવાદ થતાં હાઇકમિશનર નાદિર પટેલે જસપાલ અટવાલનું આમંત્રણ રદ કરી નાખ્યું હતું. વડા પ્રધાન ટ્રુડોએ પણ અટવાલને આમંત્રણને ભૂલ ગણાવી હતી.
જસપાલ અટવાલ પ્રતિબંધિત સંગઠન ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન સાથે સંકળાયેલો છે અને ૧૯૮૬માં કેનેડાના વાનકુંવરમાં પંજાબના તત્કાલીન કેબિનેટ પ્રધાન મલ્કિયત સિંહ સિદ્ધુની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે તેને તથા તેના ત્રણ અન્ય સાથીદારને ૨૦ વર્ષની સજા ફટકારાઇ હતી.
નોંધનીય છે કે, કેનેડિયન વડા પ્રધાનના પત્ની સોફી ગ્રેગરી ટ્રુડોની જસપાલ અટવાલ સાથેની તસવીર વાયરલ થતાં આ વાત બહાર આવી હતી. છેવટે કેનેડિયન રાજદૂતાવાસે ડિનર પાર્ટી રદ કરવાની ફરજ પડતા કેનેડા સરકારે ભારતમાં શરમજનક સ્થિતિમાં મૂકાવું પડયું હતું.
બીજી બાજુ એ પણ હકીકત છે કે ભારતના ગૃહ મંત્રાલયના બ્લેક લિસ્ટમાં જસપાલ અટવાલનું નામ સામેલ નથી. એક અધિકારીએ કહ્યું કે સરકાર સમયાંતરે આ યાદીને ગુપ્ત સૂચનાઓના આધારે અપડેટ કરતી હોય છે. ગત કેટલાંક વર્ષોમાં બ્લેક લિસ્ટમાંથી ૧૫૦ લોકોના નામ દૂર કરાયાં છે. જેમના નામ હટાવાયાં છે તેમાં પાકિસ્તાન, અમેરિકા, કેનેડા, નોર્વે, ફ્રાન્સ અને જર્મનીના લોકો સામેલ છે.
જવાબદાર સામે પગલાં લઈશું
આ વિવાદ અંગે ૨૨ ફેબ્રુઆરીએ મોડી રાત્રે વડા પ્રધાન ટ્રુડોએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ખાલિસ્તાની આતંકવાદી જસપાલ અટવાલને આમંત્રણ આપનારા અધિકારીઓ અને સંબંધિત વિભાગ સામે અમે કડક પગલાં લઈશું. આ વાતને અમે ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ.
ભારતવંશીએ આમંત્રણ આપ્યું હતું
ભારતવંશી કેનેડિયન સાંસદ રણદીપ સરાઈએ કહ્યું હતું કે, જસપાલ અટવાલની વિનંતીના આધારે મેં આ મહત્ત્વના કાર્યક્રમમાં તેમને આમંત્રણ આપ્યું હતું. જોકે, આમંત્રણ આપતા પહેલા મારે યોગ્ય તપાસ કરવાની જરૂર હતી. આ ભૂલની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું અને એ માટે માફી પણ માંગુ છું.